*અમરાવતી નદીમાં ફરી પ્રદુષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓના મોત*
GPCB માં ફરિયાદ કરાતા એ જ બીબાઢાળ પદ્ધતિએ સેમ્પલો લઈ તપાસ હાથ ધરાઈ
ચોમાસામાં બેજાવબદાર ઉદ્યોગોનો કેમિકલયુક્ત પાણીનો બારોબાર નિકાલ કરી જળસ્રોતોને દૂષિત કરવાનો સિલસિલો
ઔદ્યોગિક અંકલેશ્વર નગરીમાં ચોમાસા ની મોસમમાં કેટલાક બેજાવાબદાર ઉદ્યોગો માટે તેમના કેમિકલયુક્ત પ્રદુષિત પાણીને વરસતા વરસાદ વચ્ચે બારોબાર નિકાલ કરવાનો હથકંડો બની જાય છે. જેના કારણે જળસ્રોતો અને જમીન પ્રદુષિત થાય છે. ઉછાલી ગામ નજીક અમરાવતી નદીમાં ફરી પ્રદુષિત પાણીના કારણે અસંખ્ય માછલાંઓના મોતની ઘટના સામે આવતા પર્યાવરણ પ્રેમીઓ નારાજ થવા સાથે બીબાઢાળ પ્રક્રિયા હાથ ધરવા GPCB દોડતું થયું છે.
અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ નજીક થી પસાર થતી અમરાવતી નદી માં પ્રદુષિત પાણી ના લીધે અસંખ્ય માછલીઓ ના મૃત્યુ થયા છે. અમરાવતી નદીમાં આ અગાઉ પણ આવા બનાવો અનેક વખત બન્યા છે. પર્યાવરણને ગંભીર નુકસાન થવા સાથે જળચરો જોખમમાં મુકાઈ જાય છે.
માછલાઓ મૃત્યુ પામવાની ઘટનામાં પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશ પરમારની ફરિયાદના આધારે GPCB એ દોડી આવી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. દર વખતે આવી ઘટનાઓમાં તપાસ થાય છે તેમ છતાં ઘટનાઓ બનતી જ રહે છે. લેખિત અને મૌખિક અનેક ફરિયાદો કે રજૂઆતો બાદ પણ ગુન્હેગારો કોણ એ પણ જાણી શકાતું નથી.
ક્યાં ઉદ્યોગો દ્વારા આ રીતનું કૃત્ય કરવામાં આવે છે તે પણ બહાર આવતું ન હોય, જેથી જળ અને જમીન પ્રદુષિત કરતા ગુન્હેગારોને ઉપર કોઈ ગાજ વરસતી ન હોય જાહેર જળસ્રોતોને દૂષિત કરતી ઘટનાઓનો કાયમી ઉકેલ આવી રહ્યો નથી.