તલોદરા પાસેનું નાળુ ઓવરફલો થતા 50 ગામોને અસર
ઝઘડિયા તાલુકામાં મેગા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ હોવા પછી પણ ગામડામાંથી તાલુકા મથક, જીઆઇડીસી જોડતા રસ્તા આઝાદીના આટલા વર્ષો પછી પણ વિસ્તૃતીકરણ અથવા નવીનીકરણ થયા નથી. મુખ્ય ધોરી માર્ગોને બાદ કરતા ધોરીમાર્ગોથી ગામડાઓને જોડતા રસ્તાની હાલત ખરાબ છે જેના કારણે ચોમાસામાં ગામડાના કામદારોને જીઆઇડીસીમાં જતા મુશ્કેલીઓનો સામનો કરે છે.
ઝઘડિયા વાલિયા નેત્રંગના ગામડાઓથી જીઆઈડીસી ઝઘડિયાને જોડતો મોરતલાવથી તલોદરાને જોડતા રસ્તા પર એક નાળુ (સુપડી) આવેલ છે જે ખૂબ જ નીચું છે, જેના કારણે ઝઘડિયા તાલુકાના વાસણા, ધારોલી, શીયાલી આમલઝર, પડવાણીયા, તેમજ નેત્રંગ તાલુકા તરફથી આવતા અને વાલીયા તાલુકાના કેટલાક ગામોમાં થી આવતા જીઆઇડીસીમાં જતા કામદારો આ રસ્તાનો ઉપયોગ કરે છે.
આ રસ્તા પર આવેલ નાળુ (સુપડી) સામાન્ય વરસાદમાં પણ છલકાઈ જાય છે અને નાળા પરથી ચાર ફુટથી વધુ પાણી ઓવરફ્લો થઈને વહે છે, જેથી મોરતલાવથી તલોદરાના રસ્તાનો ઉપયોગ કરતાં 50 થી વધુ ગામના જીઆઇડીસીમાં કામે આવતા કામદારોને આ નાળુ ઓવરફ્લો થવાના કારણે ઘરે પર જવું પડે છે કાં તો ધારોલી અથવા વાલીયા થઈ દશ કિલોમીટરથી વધુનો ફેરો ફરી જીઆઇડીસી પહોંચવું પડે છે.