ભરૂચ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં 18 ના મૃત્યુ મામલે પ્રમુખ સહિત 9 ટ્રસ્ટીઓની ધરપકડ
નવી બિલ્ડિંગમાં પરવાનગી વગર કોવિડ સેન્ટર કાર્યરત કરવા સાથે BU (બિલ્ડીંગ યુઝ ) પરમિશન, ફાયર સેફટીના સાધનો, NOC કે વીજ જોડાણ પણ કાયમી ન હતું
ASP એ જાતે ફરિયાદી બની બીડીવીઝન પોલીસ મથકે 12 મે એ ટ્રસ્ટીઓ સામે FIR નોંધાવતા તપાસ Dy.SP એમ.પી. ભોજાણી ચલાવી રહ્યા હતા
FSL, RFO, DGVCL, BAUDA, ડાયરેકટર ઓફ સેફટી એન્ડ હેલ્થ, 2 IAS ની ટીમ, તપાસ એજન્સીઓ, પોલીસની વિઝીટ બાદ અભિપ્રાયના આધારે હોસ્પિટલના વ્યવસ્થાપકો અને કર્તાહર્તાઓ પર ગુનાઇત બેદરકારીનો ગુનો નોંધાયો હતો
ભરૂચની COVID-19 હોસ્પિટલ પટેલ વેલફેરના ICU કોરોના સેન્ટરમાં લાગેલી આગમાં 16 દર્દીઓ અને 2 ટ્રેઇની નર્સ હોમાઈ જવાની કમભાગી ઘટનામાં બેજવાબદાર ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો સામે ગંભીર ગુનાઇત નિષ્કાળજી બદલ ગુનો દાખલ કરાયા બાદ પ્રમુખ સહિત 9 ટ્રસ્ટીઓની પોલીસે ધરપકડ કરી હતી. જો કે, UK રહેતા પ્રમુખ સહિત તમામ ટ્રસ્ટીઓનો શરતી જામીન ઉપર છુટકારો થયો હતો.
હોનારત બાદ થી જ પોલીસ, ફાયર, DGVCL, FSL, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, BAUDA, પાલિકા સહિતની ટીમોએ ઘટના સ્થળની વિઝીટ કરી તપાસ ધમધમાવી હતી. સરકારે તાત્કાલિક 2 સિનિયર IAS અધિકારીઓને પણ ભરૂચ દોડી આગ કેવી રીતે લાગી તેની તપાસ કરવા સૂચના આપી હતી. ગૃહમંત્રી અને IG પણ દોડી આવ્યા હતા.
અગ્નિકાંડની તપાસ પણ પૂર્વ જસ્ટિસ ડી.એ. મહેતા પંચને રાજ્ય સરકારે આપી હતી. દરમિયાન હાઇકોર્ટમાં 11 મી એ આ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વેલફેર આગની ઘટનામાં જવાબદારી નક્કી કરવા ટકોર કરી સંબંધિત તંત્ર અને જવાબદારોને જોડી નોટિસ આપવા પણ જણાવાયું હતું. જેની વધુ સુનાવણી 25 મે રાખવામાં આવી છે.
હાઈકોર્ટની 11 મી એ સુનાવણીના 24 કલાકની અંદર જ આ હોનારતમાં ભરૂચ ASP વિકાસ સુંડાએ ફરિયાદી બની બી ડિવિઝનમાં પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલની દુર્ઘટનામાં મુખ્ય ટ્રસ્ટી ખાલીદ પટેલ (ફાંસીવાલા), અન્ય ટ્રસ્ટીઓ તેમજ તપાસમાં બીજા જે નીકળે તેની સામે ગંભીર બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાવ્યો હતો.
પટેલ વેલફેર હોસ્પિટલના સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે નવા બિલ્ડીંગ ખાતે કાર્યરત આ ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ ખાતે આગમાં મોટી જાનહાની થઇ છે. તજજ્ઞ અભિપ્રાય , સ્થળ – સ્થિતી પંચનામા, અકસ્માતમાં બચેલા સાહેદો , નજરે જોનાર સાક્ષી , તત્કાલ બચાવ કામગીરીમાં જોડાયેલ પોલીસ દળના સભ્યો , ફાયર બ્રિગેડની ટીમ તથા અન્ય સાહેદો વિગેરેની હકીકત આધારે 16 જેટલી ગંભીર બેદરકારી બદલ ટ્રસ્ટીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
પટેલ વેલફેર હોસ્પીટલના નવા બિલ્ડીંગ ખાતે મંજુરી ન હોવા છતા અને ફાયર NOC મેળવ્યા વિના ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પીટલ શરૂ કરાવનાર અને તેના સંચાલક અને ધી બોમ્બે પટેલ વેલ્ફર સોસાયટીના પ્રમુખ ખાલીદ પટેલ ( ફાંસીવાલા), સહિત અન્ય જવાબદાર ટ્રસ્ટીઓ વિરૂદ્ધ ઇ.પી.કો કલમ 304 ( અ ) , 336, 337, 114 મુજબ FIR નોંધી તપાસ DySP એમ.પી. બોજાણીને સોંપાઈ હતી. ભરૂચ પોલીસ દ્વારા પ્રમુખ ખાલિદ પટેલ સહિત 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, UK રહેતા પ્રમુખ સહિત તમામ ટ્રસ્ટીઓનો શરતી જામીન ઉપર છુટકારો થયો હતો.
વેલ્ફેર હોસ્પિટલના ધરપકડ કરાયેલા ટ્રસ્ટીઓ
ખાલીદ મહંમદ પટેલ
હબીબ ઇસ્માઇલ પટેલ
સલીમ અહેમદ અલી પટેલ
જુબેર મોહમ્મદ યાકુબ પટેલ
અહમદ મદમદ પટેલ
મહમદ ઈશા વલી રૂવાલા
ફારુક અબ્દુલ્લા પટેલ
યુસુફ ઈબ્રાહિમ પટેલ
ફારૂક યુસુફ પટેલ