વડોદરા નજીક આવેલા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીમાં 31 વર્ષના યુવાને ઘર કંકાસમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
યુવાને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી. હું આત્મહત્યા કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી. પણ મર્ડર છે. મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે.
યુવાને દરવાજો ન ખોલતા પરિવારે પોલીસને જાણ કરી
વડોદરા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના મકાન નં-24માં રહેતા શિરીષ હસમુખભાઇ દરજીએ વકીલાતનો અભ્યાસ કરેલો હતો અને હાલ તે પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. શિરીષે પોતાના ઘરના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. વધુ સમય થયો હોવા છતાં રૂમનો દરવાજો ન ખોલતા સોસાયટીના રહીશો અને પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક જવાહરનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રૂમ ખોલી હતી. રૂમનો દરવાજો ખોલતા શિરીષ દરજી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યાં તબીબે શિરીષને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાજવા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
પોલીસને મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી
પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેને આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આર્થિક સંકડામણ અને ઘરેલુ ઝઘડાના કારણે શિરીષ દરજીએ આત્મહત્યા કરી લીધી હતી.યુવાને લખેલી સુસાઇડ નોટ અક્ષરશઃહું શું કહું તે મને સમજાતુ નથી. હું મારી હાર પહેલેથી જ માની ચુક્યો છું, ને હાર માનીને પહેલા પણ ઘર છોડીને જતો રહ્યો હતો. પણ મે મારા મમ્મી તથા ભાઇ માટે વિચારીને પાછો આવી ગયો હતો. મારા પાછા આવ્યા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનું બંધ કરવામાં ન આવતા તથા સાસુ-સસરા દ્વારા પણ તેને સમજાવવામાં ન આવી, મે મારા દ્વારા બનતા પ્રયત્નો કર્યાં કે મારા દ્વારા મારી પત્ની તથા તેના મા-બાપ માની જાયને આ સમસ્યાનો ઉકેલ આવી જાય. પણ આખરે મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી.