ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ ૩૯ મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સૌથી અઘરી ગણાતી ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહ ચુડાસમાએ તેઓના પિતાના માર્ગદર્શન હેઠળ ફક્ત ચાર દિવસની પ્રેક્ટિસ બાદ દસાડા ખાતે રમાયેલ ૩૯ મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ સિંગલ અને ડબલની સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરી “યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત” નો ખિતાબ હાંસલ કર્યો છે.
ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં માનવરાજસિંહે જે સ્કોર કર્યો તેનાથી દેશમાં રમાનારી બે પ્રિ-નેશનલ ટ્રેપ શુટિંગ ચેમ્પિયન શીપની સ્પર્ધામાં પણ ગુજરાતનું તેમજ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્વોલિફાઇંગ સ્કોરને ક્રોસ કરી નાંખ્યો છે. પ્રિ-નેશનલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મુખ્યત્વે માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ તેમજ વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના આ ધોરણ 6 માં અભ્યાસ કરતા ટેણીયા માનવરાજસિંહ ચુડાસમા ગુજરાતનું તેમજ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટેની હવે તૈયારીઓ આરંભી દીધી છે.
કહેવત છે ને કે, “મોરના ઈંડાને ચીતરવા ન પડે” તેમ માનવરાજસિંહ ચુડાસમાના પિતાશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ભરૂચમાં ફરજ બજાવે છે. પિતા રાજેન્દ્રસિંહ અને માતાશ્રી વંદનાબા બંને શૂટિંગના ખુબ જ શોખીન હોય અને રાજ્યને શૂટિંગ સ્પર્ધા તેમજ રાષ્ટ્રીય શૂટિંગની સ્પર્ધાઓમાં ઘણા ગોલ્ડ મેડલ પણ મેળવ્યા છે. જ્યારે હવે તેમના સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ પણ તેમની રાહે આગળ વધી અને રાજ્ય તેમજ જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેઓની આ સિદ્ધિ બદલ સમગ્ર સમાજ અને પરિવારે તેઓને અભિનંદન પાઠવી વધાવી લીધા છે.