રાજ્‍યને નવા કાયદાની જરૂર નથી પરંતુ હયાત કાયદાનો ઈમાનદારીથી મક્કમતાપૂર્વક અમલની ખાસ જરૂર છે.


• રાજ્‍યને નવા કાયદાની જરૂર નથી પરંતુ હયાત કાયદાનો ઈમાનદારીથી મક્કમતાપૂર્વક અમલની ખાસ જરૂર છે.
• ચૂંટણીઓમાં જે દિવસથી રાજકીય આગેવાનો ગુંડાઓ-દારૂ-પોલીસ અધિકારીઓનો ઉપયોગ બંધ કરશે ત્‍યારથી આવા કાયદા બનાવવાની જરૂર નહીં પડે.
• ગુંડાઓને કોઈ જાતિ, ધર્મ કે પક્ષ હોતો નથી, એ માત્ર સત્તાધારી પક્ષનો જ જયજયકાર કરતા હોય છે
• હિન્‍દુ-મુસ્‍લિમ સમાજે એક થઈને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લોકોત્‍સવમાં રૂપાંતરિત કરી દીધી છે
• ભાજપે કુખ્‍યાત ડોન લતીફને મુદ્દો બનાવી, ધાર્મિક ધ્રુવીકરણ કરી પહેલી વખત અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ જીતી હતી અને ભાજપના શાસનનો પાયો રાજ્‍યમાં નંખાયો હતો.
• રાજ્‍યમાં ડ્રગ્‍સની હેરાફેરી અને વેચાણને રોકવા એક વર્ષ સુધી કડક ડ્રાઈવ જાહેર કરો
• પેટલાદમાં સોશ્‍યલ મીડીયામાં પયંગબર સાહેબ વિરુદ્ધ ટિપ્‍પણી કરનારની તાત્‍કાલિક ધરપકડ કરી, પાસા હેઠળ જેલમાં ધકેલી કડક સજા કરો.
• પાલનપુર રેલ્‍વે સ્‍ટેશન ખાતે ત્રણ વર્ષની અનાથ બાળા પર બળાત્‍કાર કરનાર નરાધમની તાત્‍કાલિક ધરપકડ કરો.
• થરાદમાં બનેલ બનાવના વ્‍યાજખોરોની તાત્‍કાલિક ધરપકડ કરી કડક સજા કરો.

  • ગ્‍યાસુદ્દીન શેખ
    વિધાનસભા ગૃહમાં આજરોજ ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃત્તિઓ (અટકાવવા બાબત) વિધેયક રજૂ થયું હતું. આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતાં દરિયાપુરના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, માન. મંત્રીશ્રી જે ઉદ્દેશો સાથે આ વિધેયક લઈને આવ્‍યા છે તે તમામ માટે રાજ્‍યમાં પર્યાપ્‍ત કાયદા છે. જે-તે ગુનાઓ માટે જે-તે કાયદામાં કડક સજાની જોગવાઈઓ છે, જેથી રાજ્‍યને નવા કાયદાની જરૂર નથી, પરંતુ કાયદાઓના યોગ્‍ય અમલની કરવાની ખાસ જરૂર છે. આ કાયદાનો મતબેંક ઉભી કરવા દ્વેષપૂર્ણ રીત રાજકીય ઉપયોગ થવાની દહેશત હોઈ હું આ વિધેયકનો વિરોધ કરું છું અને વિધેયક પાછું ખેંચવા માંગણી કરું છું.
    શ્રી શેખે ચર્ચામાં ભાગ લેતાં જણાવ્‍યું હતું કે, ગૃહ રાજ્‍યમંત્રીએ એમના વક્‍તવ્‍યમાં કોંગ્રેસ પક્ષને ટોણો મારતાં જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પક્ષ એક સમાજનું તુષ્‍ટીકરણ કરવા આ બિલનો વિરોધ કરે છે. તેનો પ્રત્‍યુત્તર આપતાં શ્રી શેખે જણાવ્‍યું હતું કે, ગુંડાઓને કોઈ જાતિ, ધર્મ કે પક્ષ હોતો નથી, એ માત્ર સત્તાધારી પક્ષનો જ જયજયકાર કરતા હોય છે. સત્તાધારી પક્ષના લોકો હંમેશા વિધાનસભા ગૃહમાં દરેક બાબતને લઘુમતી અને તુષ્‍ટીકરણ સાથે જોડે છે, જે અત્‍યંત દુઃખદ બાબત છે. સમાજમાં સામાજીક એકતા અને સમરસતા ઉભી થાય તેની જવાબદારી સત્તા પર બેઠેલા લોકોની હોય છે નહીં કે સમાજમાં ઘૃણા ઉભી થાય તેવા નિવેદનો આપવાની. સત્તાધારી પક્ષમાં બેઠેલા લોકો દ્વારા જ્‍યારે પણ વક્‍તવ્‍ય આપવામાં આવે છે ત્‍યારે ખાસ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે તો 35થી વધુ વર્ષ થઈ ગયા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એકતા, ભાઈચારો અને અમનના રંગમાં રંગાઈને હિન્‍દુ-મુસ્‍લિમ ભેગા થઈને પસાર કરે છે. એક સમય હતો કે રથયાત્રા વખતે જનતા કરફયુ લગાવવો પડતો હતો, એ સમય હવે પસાર થઈ ગયો છે. હવે તો હિન્‍દુ-મુસ્‍લિમ ભેગા થઈને રથયાત્રાને લોકોત્‍સવમાં રૂપાંતરિત કરી દીધી છે. હવે એ કમનસીબ દિવસોની વાતો અને ઉલ્લેખો બંધ કરવા જોઈએ.
    શ્રી શેખે જણાવ્‍યું હતું કે, કુખ્‍યાત ડોન લતીફને મર્યાને આજે 25 વર્ષ જેટલો સમય વીતી ચૂક્‍યો છે ત્‍યારે સત્તાધારી પક્ષના લોકો કોઈપણ વાતમાં લતીફનું નામ લઈ લઘુમતી સમાજને ટોણો મારવાનું ચૂકતા નથી. મારે આજે આ ગૃહ સમક્ષ કહેવું છે કે, વર્ષ 1987માં અમદાવાદ ભાજપના સ્‍વ. પીઢ નેતા અને એડવોકેટ રામ જેઠમલાણીએ કુખ્‍યાત ડોન લતીફને ગેરમાર્ગે દોરીને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા ઉભો કર્યો હતો. લતીફ જ્‍યારે ચૂંટણી લડવા ઉભો થયો ત્‍યારે ભાજપે લતીફને મુદ્દો બનાવી, ધાર્મિક ધ્રુવીકરણ કરી, પહેલી વખત અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ જીતી હતી અને ભાજપના શાસનનો પાયો રાજ્‍યમાં નંખાયો હતો. આ ચૂંટણી જ ભાજપનો જન્‍મદિવસ છે અને એ જ દિવસે ભારતીય જનતા પક્ષનો રાજ્‍યમાં ઉદય થયો હતો.
    શ્રી શેખે જણાવ્‍યું હતું કે, ભાજપ દ્વારા હિન્‍દુ સમાજની લાગણીઓ ઉશ્‍કેરવા ગાયમાતાનો મુદ્દો ઉપસ્‍થિત કરવામાં આવે છે. ગાયમાતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, તે ગાય માતાનો ઉપયોગ રાજકીય લાભ માટે થાય છે. ગાયની ચોરી મામલામાં રાજ્‍યના લઘુમતી સમાજની કોઈ સંડોવણી નથી. કેટલીક પરપ્રાંતીય ટોળકીઓ અને મુઠ્ઠીભર અસામાજીક તત્ત્વો પોલીસ સ્‍ટેશનમાં લાખો રૂપિયાના હપ્‍તા આપી, ગાય માતાની ચોરી કરી, હજારો ગરીબ રબારી-ભરવાડ સમાજના ભાઈઓને બરબાદ કરી નાંખે છે. આવા અસામાજીક તત્ત્વો અને પરપ્રાંતીય ટોળકીઓને સરકાર કડક નશ્‍યત કરે અને ફક્‍તને ફક્‍ત રાજકીય કારણોસર ગાયમાતાના નામે સમગ્ર લઘુમતી સમાજને બદનામ કરવાનું બંધ કરે.
    રાજ્‍યમાં ડ્રગ્‍સ માફીયાઓ તથા ડ્રગ્‍સની હેરાફેરી-વેચાણ અંગે ઝીરો ટોલરન્‍સની નીતિ અપનાવવા અને પૂરા જોશ અને જુસ્‍સા સાથે તમામ નશીલા પદાર્થો(ડ્રગ્‍સ)ના હેરાફેરી અને વેચાણને રોકવા સમગ્ર રાજ્‍યમાં એક વર્ષ સુધી કડક ડ્રાઈવ કરવી જોઈએ. અમદાવાદની કેટલીક હોટલોમાં પોલીસ સ્‍ટેશનની બારીમાંથી દેખાય એવી રીતે દેહવિક્રયનો ધંધો ચાલે છે તે રોકવા તાત્‍કાલિક સૂચના આપવી જોઈએ.
    પેટલાદમાં સોશ્‍યલ મીડીયામાં પયંગબર સાહેબ વિરુદ્ધ ટિપ્‍પણી કરવામાં આવી હતી, આવા ગુનેગારોની તાત્‍કાલિક ધરપકડ કરીને તેને પાસા હેઠળ જેલમાં ધકેલી કડક સજા કરવી જોઈએ. શ્રી શેખની માંગણી અન્‍વયે ગૃહ રાજ્‍યમંત્રીએ તેમના જવાબમાં જણાવ્‍યું હતું કે, મેં ગ્‍યાસુદ્દીન શેખની માંગણી અન્‍વયે પેટલાદ પોલીસ સ્‍ટેશનમાં તપાસ કરી આ બનાવમાં જવાબદાર સામે તાત્‍કાલિક ફરિયાદ નોંધવા જણાવેલ અને તેની ધરપકડ કરી લેવામાં આવેલ છે.
    આઠેક માસ પહેલાં પાલનપુર રેલ્‍વે સ્‍ટેશન ખાતે ત્રણ વર્ષની અનાથ બાળા પર બળાત્‍કાર કરવામાં આવેલ, આ નરાધમની આઠ માસ સુધી ધરપકડ કરવામાં આવેલ નથી. તો શું પોલીસ તંત્ર નિષ્‍ક્રિય થઈ ગયું છે કે આરોપીઓ સાથે ભળી ગયું છે ? તેવા પ્રશ્નો ઉપસ્‍થિત કરી આ નરાધમની તાત્‍કાલિક ધરપકડ કરવા માંગણી કરી હતી.
    સૌથી દુઃખદ બાબત એ છે કે, થરાદના વ્‍યક્‍તિએ વ્‍યાજખોરોના ત્રાસ-ગુંડાગીરીથી કંટાળીને પોતાની કીડની સિંગાપોર જઈને રૂા. 15 લાખમાં વેચીને ચૂકવણી કરવા છતાં વ્‍યાજખોરો હજુ બીજા પૈસા માટે ધાકધમકી આપી માંગણી કરી રહ્‌યા છે, આવા વ્‍યાજખોરોની તાત્‍કાલિક ધરપકડ કરી કડક સજા કરવાની માંગણી કરી હતી.
    અંતમાં જણાવ્‍યું હતું કે, ચૂંટણીઓમાં જે દિવસથી રાજકીય આગેવાનો ગુંડાઓ-દારૂ-પોલીસ અધિકારીઓનો ઉપયોગ બંધ કરશે ત્‍યારથી આવા કાયદા બનાવવાની જરૂર નહીં પડે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

લાયસન્સ કે RC બુક ન હોય તો પોલીસ તાત્કાલિક મેમો ફાડી ન શકે, જાણો આ છે કાયદો..

Fri Sep 25 , 2020
સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સના નિયમ 139માં ઉલ્લેખ છે કે વાહન ચાલકને પોતાના ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. ટ્રાફિક પોલીસ તરત જ વ્યક્તિનો મેમો ફાડી શકે નહીં.નવા મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદથી વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC), ઇન્શ્યોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC), ડ્રાઈવિંગ લાયસન્સ […]

You May Like

Breaking News