મેહુલીયો રંગમાં : ભરૂચ જિલ્લામાં રાત્રે વરસાદની તોફાની બેટિંગ, વીજળીના ચમકારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી…!!
ભરૂચ શહેર અને જિલ્લામાં ધીમેધીમે ચોમાસાની ઋતુ જામી હોય તેમ ગત રાત્રીના સમયે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પવનના સુસવાટા અને વીજળીના ચમકરા સાથે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણીનો ભરાવો પણ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં જંબુસર તાલુકાને બાદ કરતાં તમામ ૮ તાલુકાઓમાં સરેરાશ વરસાદ નોંધાયો હતો જેમાં અંકલેશ્વરમાં ૨.૫ ઇંચ, હાંસોટમાં ૨.૫ ઇંચ તેમજ ભરૂચમાં ૧ ઇંચ, નેત્રંગમાં ૧.૫ ઇંચ, વાગરામાં ૧.૫ ઇંચ, વાલિયામાં ૨ ઇંચ સહિત આમોદ અને ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં મોસમનો કુલ ૮૭૮ મિલી મીટર વરસાદ અત્યાર સુધી નોંધાયો છે, ત્યારે વાવણી લાયક વરસાદના કારણે ધરતી પુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે, સાથે જ હજુ પણ મેહુલીયો મન મૂકીને વરસે તેવી આશ જિલ્લાના લોકો રાખી રહ્યા છે.