ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો
- OBC મોરચા દ્વારા વિરોધ નોંધાવી મુસ્લિમોને OBC માં સમાવવાની તૃષ્ટીકરણની રાજનીતિની ઝાટકણી કઢાઈ
- OBC અનામતને મુસ્લિમોને નહિ અપાઈ નરેન્દ્ર મોદી પેહલા જ કરી ચુક્યા છે જાહેરાત : રમેશ મિસ્ત્રી
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના OBC માં મુસ્લિમોને સમાવવાના નિર્ણયનો દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ : મારૂતિસિંહ અટોદરિયા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC માં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચાએ વિરોધ નોંધાવી પાંચબતી ખાતે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકયું હતું.
લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુસ્લિમ તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC કોટામાં મુસ્લિમોને સમાવવાનો નિર્ણય લીધો હતો. જોકે ચાર દિવસ પેહલા જ કલકતા હાઇકોર્ટે આ નિર્ણયને સમાપ્ત કરી દીધો હતો.
તેમ છતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની મુસ્લિમો પ્રત્યેની મમતામાં કોર્ટના આદેશને માનવાના નથી તેમ કહી મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવેશ કરવાની જાહેરાત કરી દીધી હતી.
OBC કોટામાં મુસ્લિમોને સમાવવાની મમતા બેનર્જીની જાહેરાત સામે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
આજે શુક્રવારે ભરૂચ શહેરના પાંચબતી ખાતે જિલ્લા ભાજપ OBC મોરચા દ્વારા મમતા બેનર્જીનો વિરોધ નોંધાવાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, કેતન ભાલોદવાલા, પરેશ લાડ, મહેન્દ્રસિંહ વાંસદિયા, સહિતની હાજરીમાં મમતા બેનર્જીનું પૂતળું ફૂંકવામાં આવ્યું હતું.
જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના મુસ્લિમ તૃષ્ટીકરણમાં OBC માં મુસ્લિમોને લાભ આપવાના નિર્ણયનો આજે ભરૂચ જિલ્લા ઓબીસી મોરચાએ વિરોધ કરી દેખાવો કર્યા છે. ઓબીસી સમાજમાં મમતા દીદી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું તેમણે વધુમાં કહ્યું હતું.
પાંચબતી ખાતે મમતા બેનર્જીનો હુરિયો બોલાવવા સાથે પૂતળા દહન કરી ઓબીસીમાં મુસ્લિમોને લાભની મમતા દીદીની જાહેરાતની ઝાટકણી કાઢવામાં આવી હતી.