Read Time:1 Minute, 42 Second
ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ યોજાનારી ચૂંટણીને અનુલક્ષી આચારસંહિતા લાગુ પડી ચૂકી છે ત્યારે તેની સૌથી વધારે અસર સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે. નગરપાલિકા, કલેકટર, મામલતદાર સહિતની કચેરીઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ અરજદારો અને મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. નગરપાલિકા કચેરીએ જન્મ મરણના દાખલા સહિતની કામગીરી માટે આવતાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પાર્ટીના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે નગરસેવકો પણ પાલિકામાં ઓછા નજરે પડી રહયાં છે. રમજાન માસ ચાલી રહયો હોવાથી વિપક્ષના સભ્યોની પણ પાંખી હાજરી પાલિકામાં જોવા મળી રહી છે. ચૂંટણીની કામગીરીમાં જોડાનારા કર્મચારીઓની તાલીમનો પ્રારંભ થઇ ગયો હોવાથી મોટાભાગના કર્મચારીઓ તાલીમમાં જતાં હોવાથી કર્મચારીઓ પણ કચેરીમાં હાજર જોવા મળતાં નથી. કલેકટર કચેરીનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત બની ગયો છે. 12મી એપ્રિલના રોજથી ચૂંટણી માટેનું જાહેરનામુ બહાર પડી જશે અને ઉમેદવારીપત્રો ભરવાનું પણ શરૂ થઇ જશે. સરકારી કચેરીઓમાં રોજના સરેરાશ 100 જેટલા અરજદારો અને મુલાકાતીઓ આવતાં હતાં તેની સરખામણીએ હાલ 50 ટકા જ લોકો કચેરીઓમાં તેમના કામ માટે આવી રહયાં છે.