ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે ગોલ્ડનબ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935 માં સિલ્વરબ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન વ્યવહાર છેલ્લા 89 વર્ષથી મુંબઈ-અમદાવાદ-દિલહી વચ્ચે કાર્યરત છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 2900 રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલવેના 45 રેલવે સ્ટેશનોમાં ભરૂચ અને અંકલેશ્વર પણ સામેલ છે. બ્રિટિશ રાજમાં બ્રોચ આઝાદી બાદ ભરૂચનું હાલનું સ્ટેશન હવે પ્રાચીન નગરની ભવ્યતા અને અસ્મિતાને ઉજાગર કરતું તમામ આધુનિક સુવિધા અને સવલતોથી સજ્જ હશે. ભરૂચમાં દહેગામમાં 65 કરોડના ખર્ચે ભરૂચની હસ્તકલા અને સુજનીને ઉજાગર કરતું બુલેટ ટ્રેનનું સ્ટેશન આકાર લઈ રહ્યું છે ત્યારે ભરૂચના ઐતિહાસિક રેલવે સ્ટેશન 34 કરોડના ખર્ચે નવી આભામાં જોવા મળશે. ભરૂચ રેલવે સ્ટેશનના નવીનિકરણની કામગીરી બે મહિનાથી શરૂ કરી દેવાઇ છે. જેમાં હાલમાં પ્લેટફોર્મ ડેઝીંગ, બાઉન્ડ્રી વોલ, ટોઇલેટ બનાવવની કામગીરી ચાલું છે. ઉપરાંત હાલના પે એન્ડ પાર્કના 1850 સ્ક્વેર મિટર ભાગને આરસીસીનું બનાવી દેવાયું છે. તેના માટે અલગથી એન્ટ્રી આપવામાં આવશે. ઉપરાંત દિવ્યાંગ માટે પણ અલાયદી સુવિધા કરાશે. પ્લેટફોર્મ નંબર 2 – 3 પરના વેઇટીંગ રૂમનું રિનોવેશન કરાયું છે. ઉપરાંત પ્લેટફોર્મ નંબર 4-5 પર શૌચાલય બનવાઇ રહ્યું છે. આગામી એપ્રિલ મહિના સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્રણ ફેઝમાં રેલવે રિનોવેશનની કામગીરી કરાશે ભરૂચ રેલવે વિભાગ દ્વારા થનારૂ રિનોવેશન 3 તબક્કામાં થનાર છે. ત્યારે પહેલાં તબક્કામાં રેલવે ઉપરનો 12 મીટરનો ફુટ ઓવર બ્રીજ, જેના બન્ને તરફ એસ્કલેટર હશે જેની કામગીરી હાલ ચાલી રહી છે. બીજા તબક્કામાં પ્લેટ ફોર્મ પર એક સાથે 15 વ્યક્તિ જઇ શકે તેવી લિફ્ટ બનાવાશે. રેલવે સ્ટેશન પરના શૌચાલયોનું રિનોવેશન કરવામાં આવશે. રેલવેના બન્ને તરફના પાર્કિંગ એરિયાને ડેવલોપ કરાશે. પ્લેટફોર્મની ઉંચાઇ વધારાશે. રેલવે ટ્રેકને લગતી કામગીરી રાત્રે ચાલે છે રેલવે સ્ટેશનનું 2 અને 3 નંબરનું પ્લેટફોર્મ વડોદરા તરફની દિશામાં 80 મિટર વધારવાની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. જે માટે રેલવેના પાટા ખસેડવાની કામગીરી પણ કરવાની ફરજ પડે તેમ છે. ત્યારે દિવસના સમયે ટ્રેનોનું ભારણ વધારે હોવાથી આ કામગીરી રાત્રીના સમયે કરવામાં આવી રહી છે. જે ત્રણેક મહિનામાં પૂર્ણ થઇ જવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. સરકાર દ્વારા વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના જેવી નવી પહેલ દ્વારા સ્થાનિક ઉત્પાનોના પ્રદર્શન માટેની સુવિધા અપાશે.
34 કરોડના ખર્ચે નવીનીકરણની કામગીરી શરૂ
Views: 46
Read Time:3 Minute, 48 Second