જંબુસર તાલુકાના ખેડૂતો સિંચાઇ માટે નર્મદા નિગમની કેનાલ પર નિર્ભર છે પરંતુ કેનાલોના ઠેકાણા નહિ હોવાથી તેઓ હાલાકી ભોગવી રહયાં છે. ખાસ કરીને થણાવા ગામ પાસેની કેનાલના રીપેરિંગ માટે ખેડૂતો 2 વર્ષથી રજૂઆત કરી રહયાં હોવા છતાં કોઇ કાર્યવાહી નહિ થતાં લીકેજ થતાં પાણી આસપાસની 65 એકરથી વધારે જમીનમાં ફેલાઇ જતાં ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહયાં છે. જંબુસર તાલુકાના થાણાવા ગામના ખેડૂતોએ 2 વર્ષ પહેલાં રૂનાડ, થણાવા, સાંગડી, કલિયારી વિસ્તારની માઇનોર કેનાલનું રીપેરિંગ કરવા માટે રજૂઆત કરી હતી પણ નહેર ખાતા તથા કોન્ટ્રાકટરની લાલિયાવાડીના કારણે આજદિન સુધી રીપેરિંગ શકય બન્યું નથી. કેનાલનું બાંધકામ પણ તકલાદી હોવાના કારણે લીકેજ થતું પાણી આસપાસના ખેતરોમાં ફેલાય રહયું છે. હાલ 65 એકર કરતાં વધારે જમીનમાં પાણી ફરી વળ્યું છે અને પાણીના લીધે આસપાસ જંગલી ઘાસ ઉગી નીકળ્યું છે.જંગલી ઘાસ ઊગી નીકળતા ભૂંડ, નીલગાય જેવા પ્રાણીઓનું આશ્રય સ્થાન બની ગયું છે. રાતના સમયે પશુઓ ઉભા પાકમાં ભેલાણ કરી જતાં હોય છે. બીજી તરફ ખેડૂતો મોંઘા ભાવના બિયારણ ખરીદીને ઘઉં તુવેર, કપાસનું વાવેતર કરતાં હોય છે પણ ખેતરોમાં પાણી ભરાઇ રહેવાથી વરાપ નહિ થતાં બિયારણો બળી ગયાં છે. હાલ તો થણાવા તથા આસપાસના ખેડૂતો નહેર ખાતાની લાલિયાવાડીનો ભોગ બન્યાં છે. રિપેરિંગ વિના જ કોન્ટ્રાકટરોને પૈસા ચૂકવી દેવાય છે જંબુસર તાલુકાના નહેરખાતામાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહયો છે. બે વર્ષથી નહેર ખાતામાં રજૂઆત કરી છે પણ આજદિન સુધી આશ્વાસનો સિવાય કઇ મળ્યું નથી. રીપેરિંગ માત્ર કાગળ પર બતાવીને અધિકારીઓ અને કોન્ટ્રાકટરો મેળાપીપણામાં સરકારની તિજોરને નુકસાન કરી રહયાં છે.
થણાવા ગામ પાસે કેનાલમાં લીકેજથી 65 એકરથી વધુ જમીનમાં પાણી ભરાયાં
Views: 50
Read Time:2 Minute, 29 Second