સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભરૂચ તાલુકા કોંગ્રેસ વિખેરાઈ
વિવિધ યુવા સંગઠનો અને રાજકીય પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો એ કેસરિયો ધારણ કર્યો
ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાજપાના પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયાએ 200 થી વધુ આગેવાનો અને કાર્યકરોને ભાજપાનો ખેસ પહેરાવ્યો
ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક મળી. બેઠકમાં શિવસેના ના પ્રમુખ તેમજ કોંગ્રેસ પક્ષમાંથી પણ તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પણ પોતાના ટેકેદારો અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા હતા. ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કૌશિકભાઈ પટેલ, ભોલાવ પંચાયતના પૂર્વ સરપંચ દિગ્વિજયસિંહ રાજ, જયદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના માજી સભ્ય સરોજબેન ચૌહાણ, યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ યોગેન્દ્રભાઈ તડવી, અંકલેશ્વર પાલિકાના વૉર્ડ નંબર 5 ના પર્વ નગરસેવકો, શિવસેના ના પ્રમુખ વિરલ ગોહિલ સહિત મોટી સંખ્યામાં શિવસેનાના યુવાનો, ભોલાવ, ઝાડેશ્વરમાંથી કોંગ્રેસ પક્ષમાંથી 8 હોદ્દેદારો તેમજ 200 થી કાર્યકર્તાઓ, હલદરવાના સરપંચ અને સભ્યો, ચવાજ ગામના આગેવાનો, અંકલેશ્વરના કોંગ્રેસ નગરસેવકોએ પણ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લેતા ભરૂચ ભાજપના પ્રમુખ મારુતિસિંહ આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા જ તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લાના ચૂંટણી પ્રભારી પ્રફુલભાઈ પાંસેરિયા, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી, નિરલભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, ફતેસંગ ગોહિલ, દિવ્યેશભાઈ પટેલ, માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ હાજરી આપી હતી.