અંકલેશ્વરના માંડવા ટોલપ્લાઝા નજીક વાહનની ટક્કરે યુવાનનું મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકને શોધવાની કવાયત હાથ ધરી
અંકલેશ્વર જીઆઇડીસીની ગ્લેનમાર્ક કંપનીમાં ફરજ બજાવતા 22 વર્ષીય યુવાન ભરૂચના ઝાડેશ્વરમાં ધરે પરત ફરી રહ્યો હતો. આ સમય દરમિયાન અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા તે રોડ પર પટકાતા ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
અંકલેશ્વર GIDCમાં ગ્લેનમાર્ક કંપનીમાં નોકરી કરતા મૂળ રાજકોટના ચારણીયા જેતપુરના 22 વર્ષીય કૌશિક દિનેશ પોકીયા નોકરી પરથી છૂટી પરત પોતાના ઘરે ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી જગન્નાથપુરી સોસાયટીમાં જઈ રહ્યા હતા. દરમિયાન માંડવા ટોલપ્લાઝા પાસે તેની બાઈકને કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા કૌશિક પોકીયા રોડ પર પટકાયો હતો. અકસ્માતમાં તેને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિકોએ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કરતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતાં.
108ની ટીમ દ્વારા કૌશિક પોકીયાને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગેની જાણ તેમના મિત્ર જીતેન્દ્ર રાદડિયાને તેમજ અન્ય લોકોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અકસ્માત અંગે તેમના મિત્ર જીતેન્દ્ર રાદરીયાએ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.