ભરૂચમાં લંકા ટી-20 પર સટ્ટાબેટિંગનો ડંકો વગાડતા પિતા-પુત્ર SOG ના હાથે ક્લિન બોલ્ડ
પાલેજના પિતા-પુત્રે UK અને કાઠિયાવાડના બે સટ્ટોડિયા પાસેથી ₹20 લાખ ક્રેડિટ પર 3 એપ્લિકેશન મેળવી
છ મોબાઈલ, એક લેપટોપ અને રોકડા 37 હજાર સાથે ₹1.18 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચમાં નવા SP એ ચાર્જ સંભાળતા સાથે જ SOG એ પાલેજથી લંકા ટી-20 પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા પિતા-પુત્રને ઝડપી ક્લિન બોલ્ડ કરી દીધા છે.ઓનલાઈનના જમાનામાં હવે ક્રિકેટ સટ્ટો અને ગેમિંગ પણ ભારે ડિમાન્ડમાં હોય સટ્ટોડિયા પણ તેની તરફ વળી ગયા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મયુર ચાવડાએ ચાર્જ સંભાળતા જ LCB, SOG સહિત જિલ્લા પોલીસને તમામ ગેરકાયદે પ્રવૃત્તિ પર બાજ નજર રાખી લો એન્ડ ઓર્ડર જાળવવા સૂચના આપી હતી.દરમિયાન SOG પી.આઈ. આંનદ ચૌધરીને પાલેજમાં ક્રિકેટનો Online સટ્ટો રમાડાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે PSI એલ.આર. ખટાણા, શૈલેષ વસાવા, સુરેશ વણઝારા અને ટીમે દરોડો પાડ્યો હતો.પાલેજના માછીવાડમાં રહેતા પિતા-પુત્ર અત્તાઉલ્લાખાન હબીબખાન પઠાણ અને તોસિફખાન લંકા ટી-20 પર ઓનલાઈન સટ્ટો રમાડતા ઝડપાઇ ગયા હતા.
પિતા-પુત્રની 6 મોબાઈલ, એક લેપટોપ અને રોકડા 37 હજાર મળી કુલ 1.18 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ હતી. બન્ને આરોપીઓએ કબુલ્યું હતું કે તેઓએ થોડા મહિના પેહલા કાઠિયાવાડના બબલુ અને UK નો નંબર ધરાવતા ઉમા નામના શખ્સ પાસેથી ₹20 લાખની ક્રેડિટ પર Letsbets.com, betsfactor247 અને allpaanel નામની એપ્લિકેશન ખરીદી હતી. જે આધારે આ બન્ને આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ ચલાવાઈ રહી છે.