વરસાદની સિઝન આવે એટલે પ્રવાસીઓ વિવિધ ધોધ જોવા ઊમટી પડે છે. ત્યારે નેત્રંગમાં આવેલા ધાણીખૂંટનો ધારિયા ધોધ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેવો વરસાદ શરૂ થાય કે પ્રવાસીઓની ધમાલ-મસ્તી આ ધોધમાં શરૂ થઈ જાય છે. આ ધોધ ઉપરાંત પણ અહીં અનેક પૌરાણિક અવશેષો છે.નર્મદા અને કરજણ સહિત અનેક નદીઓનું સાનિધ્ય ધરાવતા ભરૂચમાં કુદરતી સૌંદર્યનો અખૂટ ખજાનો સમાયેલો છે. ભરૂચના વાલિયામાં ધાણીખૂંટ નજીક આવેલો ધારિયા ધોધ ચોમાસામાં અનેરું આકર્ષણ જમાવે છે. નદીનો ધસમસતો પ્રવાહ પહાડોમાં માર્ગ શોધી જ્યારે અહીં પહોંચે છે ત્યારે કુદરતનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. આ વચ્ચે આ ધોધનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયાં છે.ભરૂચથી નજીક હોવાના કારણે લોકો અહીં એક દિવસનો પ્રવાસ માણે છે. વાલિયા અને નેત્રંગ જેવા પહાડી વિસ્તારમાં પથ્થરોમાંથી પડતા પાણીનો આહલાદક નજારો જોવા રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હોય છે. નેત્રંગ તાલુકાના ધાણીખૂંટ ગામે ધારિયા ધોધ કરજણ નદીની સુંદરતા બેવડાવે છે. આ જગ્યા સહેલાણીઓ માટે એક પર્યટનનું નવું અને મનગમતું સ્થળ તરીકે આકાર લઈ રહ્યું છે.ગામ પાસે કરજણ નદીના કિનારે ઐતિહાસિક અને પૌરાણિક કામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરના અંદરના ભાગમાં આવેલાં બે ભોંયરાં દર્શનીય છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે. હાલ આ મંદિર પણ શ્રદ્ધા તેમજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.અહીં ધોધની મજા માણવા આવેલ સહેલાણીઓએ જણાવ્યું હતું કે, ધોધનો આટલો નયનરમ્ય નજારો એમણે ક્યારેય જોયો નથી. વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ સ્થળને વિકસાવવામાં આવે અને તેને પ્રવાસન સ્થળ તરીકે દરેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે, જેથી ભરૂચ અને ભરૂચની આસપાસના સ્થળ સિવાયના લોકો પણ આ કુદરતી સ્થળની મુલાકાત લઈ શકે. ઉલ્લેખનીય છે કે, આ ગામનો પૌરાણિક ઇતિહાસ પણ છે. પ્રાચીન સમયે ધાણીખૂંટ ગામ ધાણીખૂંટ રાજ્ય તરીકે જાણીતું હતું. કરજણ નદીના કિનારે આદિવાસી રાજા તારામહલ અને રાણી ઉમરાવણું એ ધાણીખૂંટ રાજ્ય વસાવેલું હતું. આ રાજ્યનો કારભાર રાજા દ્વારા ચલાવવામાં આવતો હતો. રાજા તારામહલ બાદ, તેમના રાજકુંવરોએ ધાણીખૂંટ રાજ્યનો કારભાર સંભાળ્યો હતો. આજે પણ ધાણીખૂંટ વિસ્તારમાં એ સમયના પ્રાચીન અવશેષો જોવા મળે છે. અહીં પૌરાણિક અવશેષોમાં હાથીનાં પગલાં, બકરીનાં પગલાં, આરામખુરશી સહિતના અવશેષો જોવા મળે છે.
વરસાદ પડે એટલે ગુજરાતના આ ધોધમાં પ્રવાસીઓની ધમાલ-મસ્તી શરૂ, જોવા મળશે અનેક પૌરાણિક અવશેષો
Views: 118
Read Time:3 Minute, 24 Second