વાવાઝોડાથી 36 વીજથાંભલા, 5 વૃક્ષો ધરાશાયી
બિપરજોય વાવાઝોડાના કારણે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી વહીવટીતંત્ર દોડધામ કરી રહયું હતું. દરિયા કિનારે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું હતું. ગુરૂવારે સાંજે વાવાઝોડું કચ્છની ધરતીની નજીક પહોંચતાની સાથે ભરૂચના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો અને 2 મીટર સુધીના મોજા ઉછળ્યાં હતાં.
વાવાઝોડાના લેન્ડફોલ બાદ ભરૂચ જિલ્લામાં પવનની ગતિમાં વધારો થયો હતો. શુક્રવારની સવારે ભરૂચ શહેરમાં હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. ભારે પવનોના કારણે પોલીસ, પાલિકા, ફાયર, વીજ, એસટી વિભાગ સહિતના વિભાગોને પણ એલર્ટ કરી દેવાયાં હતાં. જિલ્લામાં તેજ ગતિના પવનોએ કુલ 36 વીજથાંભલા છેલ્લાં બે દિવસમાં જમીનદોસ્ત થયાં હતાં. જોકે, વીજકર્મીઓએ તુરંત આવી પોલ ઉભા કરી વીજપુરવઠો પુન: કાર્યન્વિત કર્યો હતો.
જિલ્લામાં વાવાઝોડાના કારણે વાદળો ખેંચાઇ આવતાં જંબુસરમાં 7 મીમી, વાગરામાં 4 મીમી તેમજ આમોદમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય પંથકમાં પણ માત્ર થોડો ઝરમર વરસાદ વરસી ગયો હતો.બીજી તરફ ભરૂચ શહેરમાં અલગ અલગ ચાર સ્થળે વૃક્ષ ધરાશાયી થયાં હતાં.પાલિકાની ટીમે તુરંત વૃક્ષો હટાવી લીધાં હતાં.