ઓચિંતા લાગેલી આગમાં બે કાર બળીને ખાખ:અંકલેશ્વરના વાલીયા ચોકડી ઉપર રાત્રિના સમયે આગ લાગતા દોડધામ; આગમાં પક્ષીઓ પણ ચપેટમાં આવતાં ઇજાગ્રસ્ત બન્યા
અંકલેશ્વરના વાલીયા રોડ ઉપર આવેલા રવીરત્ન મોટર્સના સર્વિસ સેન્ટરમાં ગતરોજ રાત્રીના આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે કર્મચારીઓમાં અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ DPMCના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં બે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.અંકલેશ્વરના વાલીયા રોડ ઉપર રવીરત્ન મોટર્સનો સર્વિસ સેન્ટર આવેલું છે. આ સર્વિસ સેન્ટરમાં ગઈકાલે રાત્રિના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગ એટલી ઝડપે ફેલાઈ કે તેની ચપેટમાં સર્વિસમાં આવેલી બે કારો પણ આવી ગઈ હતી. આગના કારણે કર્મચારીઓમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ અંકલેશ્વર DPMCના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવતાં તેઓ તાત્કાલિક લશ્કરો સાથે સ્થળ ઉપર દોડી આવ્યા હતાં.ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ચપેટમાં આવેલી બે કારો બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ સંબંધિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે આ આગની ઘટનામાં અંદર રહેલા પક્ષીઓ પણ ચપેટમાં આવતાં ઇજાગ્રસ્ત બન્યા હતાં. પક્ષીઓને જીવદયા પ્રેમીઓ દ્વારા સારવાર આપવામાં આવી હતી.