ભરૂચમાં જિલ્લામાં સમસ્ત માછીમાર સમાજ અને સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા સોમવારે વેજલપુર બંબાખાનથી કલેક્ટર કચેરી સુધી 5 કિમી લાંબી સ્થાનિક લોક અધિકાર યાત્રા કાઢી હતી. સ્થાનિક અધિકાર મંચે વિવિધ 7 મુદ્દે CMને સંબોધતું ચાંદીનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું.ભરૂચ જિલ્લામાં બે કાંઠે નર્મદા નદી બારેમાસ વહેતી રહે છે. ત્યારે ભાડભુત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોની માંગ પુરી કરાય. નદી ઉપર ભુમાફિયાઓએ બનાવેલા ઠેર-ઠેર પુલિયા તોડી પડાય. સ્થાનિકોને ઉદ્યોગોમાં 80 ટકા રોજગારી સહિતના 7 મુખ્ય મુદ્દા સાથે સોમવારે ભરૂચમાં સ્થાનિક લોક અધિકાર યાત્રા કાઢવામાં આવી હતી.સમસ્ત માછીમાર સમાજ અને સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા શહેરના વેજલપુરથી યાત્રાને હોર્ડિંગ્સ, બેનર અને પ્લે કાર્ડ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરી ખાતે યાત્રા પહોંચતા ઔદ્યોગિક પ્રદુષણ અને અકસ્માતો નિવારવા કડક પગલાં, હિન્દૂ બાળકો માટે સ્મશાન ભૂમિ, ગૌચર જમીન ઉપર કરાયેલા દબાણો દૂર કરવા સહિતની 7 માંગણીઓ સંદર્ભે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાને ચાંદીનું આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.