– આર્મ્સ એક્ટ તેમજ હાફ મર્ડરનો આરોપી ચાર મહિના બાદ પોલીસ પકડમાં..
– સારણથી સાયખા જવાના માર્ગ ઉપર આવેલ સિસકોન કંપનીના લેબર કોલોની નજીકથી પોલીસે ફરાર આરોપીને દબોચ્યો..
પોલીસ સુત્રીય માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી કલર કંપનીમાં કામ બાબતે બે કોન્ટ્રાકટર વચ્ચે થયેલા ઝગડામાં એક કોન્ટ્રાક્ટર અને તેના સાગરિતો સાથે બીજા કોન્ટ્રાક્ટરને બંદૂક બતાવી બીજાને કામ નહીં કરવાની ધમકી આપીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને ફરાર થઇ ગયા હતા.આ મામલે વાગરા પોલીસે આર્મ્સ એક્ટ તેમજ હાફ મર્ડરનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.જેમાં સાથી આરોપીઓ ઝડપાઇ ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી કામિલ મહેબૂબ રાજ ઘણા સમયથી પોલીસ પકડથી દુર હતો. જેને ઝડપી લેવા વાગરા પોલીસે કમર કસી હતી. જે દરમિયાન ફરાર આરોપી સારણથી સાયખા તરફના માર્ગ ઉપર આવેલ સિસકોન કંપનીની લેબર કોલોની પાસે હોવાની હકીકત જણાતા વાગરા પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.**બનાવની માહિતી મુજબ ગત 7 મી ફેબ્રુઆરી 2022 ના રોજ આ કામના ફરિયાદી સેહજાદ રફીકભાઈ રાજતેમજ તેઓના ભાગીદાર અસરફ હસન રાજ સવારના 11 વાગ્યાના સુમારે જીઆઈડીસીમાં આવેલી એગ્રેસન કલર પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં પાયલિંગનું સીવિલ કોંટ્રાકટ મળ્યો હતો.જેથી બંને પાર્ટનર કામ જોવા કંપની ઉપર પહોચ્યા હતા.આ સમયે સારણ ગામના કામિલ મહબૂબ રાજ તેમજ કામિલ ગુલામ રાજ અને દેરોલ ગામના ઇલયાસ અલ્લી મલિક ઉપરાંત મોઢે રૂમાલ બાંધેલ એક અજાણ્યો સખ્સ ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈને ત્યાં આવી પહોંચ્યા હતા.બંને પાર્ટનરને ડબલ બેરલની બંદૂક બતાવી આ કામ નહીં કરવા આ કામ અમારે કરવાનું છે જો અમારું નહિ સાંભળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.ત્યારબાદ સાંજના સુમારે આસરે સાતેક વાગ્યાના સમયગાળામાં સેહજાદ રાજ તેમજ અસરફ રાજ કંપની ઉપરથી ઘરે જતાં હતા. ત્યારે જય કેમિકલ કંપની નજીક ચાર રસ્તાની બાજુમા એકા એક કામિલ મહબૂબ રાજ, કામિલ ગુલામ રાજ તેમજ ઇલયાસ અલ્લી મલિક અને મોઢા ઉપર રૂમાલ બાંધેલ અજાણ્યો ઈસમ ત્યાં આવી પહોચ્યા હતા. કામિલ રાજે તેના હાથમાં રહેલા લાકડાના દંડા વડે સેહજાદ રફીક રાજની સ્વિફ્ટ ગાડી નંબર જી.જે ૧૬ બી.બી ૫૬૮૦ ઉપર હુમલો કરી આગળનો કાંચ તેમજ બોનેટના ભાગે નુકશાન પોહચાડ્યું હતુ. અને આજુબાજુના દરવાજા પણ તોડી નાખ્યા હતા. રૂમાલ બાંધી આવેલા અજાણ્યા ઇસમે ઢીકા પાટુનો માર મારી કામ બંધ કરી દેજે નહિ તો બીજી વખત જીવતો નહીં છોડું તેવી ઘમકી આપી ત્યાથી ચારેવ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
સમગ્ર ઘટના બાબતે પોલીસે ઇપીકો ક્લમ ૩૦૭,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૪૨૭ ,૧૧૪ તથા આર્મ્સ એક્ટ ૩૦ જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં કામિલ ગુલામ રાજ અને ઇલ્યાસ અલ્લી મલિક અને અન્ય ઈસમ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પરંતુ આ ઘટનાનો મુખ્ય આરોપી કામિલ મહેબૂબ રાજ પોલીસ પકડથી નાસતો ફરતો હતો.જોકે છેવટે આરોપી કામિલ રાજને પણ વાગરા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આવા બેફામ બનેલા તત્વોને પોલીસ કાયદાનો પાથ ભરાવી એમની શાન ઠેકાણે લાવે એ જરૂરી બન્યું છે.