રાજસ્થાન: સિરોહી ગુજરાત રાજ્યની સરહદ નજીક રાજસ્થાનના સિરોહી વિસ્તારના ગાઢ જંગલમાંથી અજાણી મહિલાની ક્રુર ઘાતકી હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી આવતાં રાજસ્થાનના અણાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.સંપુર્ણ રીતેે સળગી ગયેલી લાશના માત્ર હાડપિંજર જ મળ્યા છે. હાડપિંજર પરથી જુલી કંપનીની બ્રા અને કાનમાં દિલ આકારની નકલી બુટ્ટી અને ગળામાં કાળા દોરા સાથે પહેરેલું નાનું લોખંડનું ચપ્પું મળી આવ્યું છે.ગુજરાતી મહિલાને ફોસલાવીને હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવી દેવાઈ હોવાનું અનુમાન રાજસ્થાન પોલીસ લગાવી રહી છે.પોલીસે મ્રુતક મહિલાનો પોસ્ટમાર્ટમ કરાવ્યો હતો જેમાં મહિલાને બે માસનો ગર્ભ હતો.અનૈતિક સંબંધોના કારણે મહિલાની હત્યા કરાયાની શંકાકુશંકા વ્યક્ત કરવામાં આવી છે.રાજસ્થાનના સિરોહી ક્ષેત્રના એડી.એસપી(ક્રાઈમ) અમરસિંહ ચંપાવતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ અત્યંત જીણવટભરી રીતે તપાસ ચલાવી રહી છે.મ્રુતક ગુજરાતની હોવાની શંકા છે,જેના કારણે ગુજરાતની પોલીસની પણ મદદ મેળવવા પ્રયાસો શરુ કરાયા છે.
અણાદરા પોલીસને તા.4 એપ્રિલના રોજ અજાણી વ્યક્તિએ કોલ કરી માહિતી આપી હતી કે ઉડવારીયા-તેલપીંખેડા રોડ પરના જંગલ વિસ્તારના કાચા રસ્તા પાસે એક વ્યક્તિની સળગી ગયેલી લાશ પડી છે.જે ઘટનાની જાણ થતાં જ સ્ટેશન અધિકારી ગીતાસિંહ ટીમ સાથે પહોંચી ગયા હતા.ઘટનાની ગંભીરતા દાખવી એડી.એસપી(ક્રાઈમ) અમરસિંહ ચંપાવત ટીમ સાથે દોડી આવ્યા હતા.અજાણી મહિલાની લાશ સંપુર્ણપણે સળગી ગયેલી હતી.માત્ર હાડપિંજર મળ્યું હતું.જેના પર જુલી કંપનીની બ્રા પહેરેલી હતી,જ્યારે કાનમાં સફેદ રંગની દિલ આકારની બુટ્ટી અને ગળામાં કાળા દોરી સાથે પહેરેલું એક ઇંચની લંબાઈ ધરાવતું લોખંડનું ચપ્પું મળી આવ્યું હતું.
અણાદરા પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.એફએસએલના વૈજ્ઞાનિક પરિક્ષણ અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં ચોંકાવનારી બાબત જણાવી હતી કે મ્રુતક મહિલાને બે માસનો ગર્ભ હતો.ગર્ભવતી અજાણી મહિલાની ક્રુર ઘાતકી હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે જુદાજુદા અનુમાનોના આધાર પર તપાસનો દોર શરુ કર્યો છે.ખાસ કરીને જુલી બ્રા ગુજરાતના અમદાવાદ શહેરના આસપાસના વિસ્તારોમાં મળતી હોવાની માહિતી રાજસ્થાન પોલીસને સાંપડી હતી જે મ્રુતકે પહેરી હતી.કાનમાં દિલ આકારની બુટ્ટી જે ગુજરાતી મહિલાઓ પહેરતી હોય છે,ઉપરાંત ગળામાં કાળો દોરો જેમાં નાનું લોખંડનું ચપ્પું હતું,જે આદિવાસી વિસ્તારની મહિલાઓ,ગ્રામ્ય વિસ્તારની ચોક્કસ સમાજની મહિલાઓ પહેરતી હોવાથી મ્રુતક મહિલા ગુજરાતી હોવાની શંકાના આધાર પર તપાસ ગુજરાત તરફ લંબાવાઈ છે.આ અંગે વધુમાં એડી.એસપી(ક્રાઈમ) અમરસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે ગુજરાતની પોલીસને અમે લેખીત જાણ કરી છે,કોઈ ગુજરાતી મહિલા લાપત્તા થઈ હોય તો જાણ કરવા અનુરોધ કરાયો છે.હત્યારો સમગ્ર વિસ્તારનો જાણભેદુ હોવાની શંકા છે,કારણકે જે સ્થળે લાશ મળી છે તેની નજીકના સ્થળ પર સીસીટીવી લગાવાયેલા હોવાનું હત્યારો સારી રીતે માહિતગાર હોવાનું સ્પષ્ટ થાય છે.કારણકે હત્યારો રોડની બંને બાજુના સીસીટીવી કેમેરામાં પકડાતો નથી,તે કેમેરાથી દુર રહી અલગ જ રસ્તા પરથી આવીને પરત જતો રહ્યો છે.મ્રુતક મહિલાની ઉંમર 22 થી 30 વર્ષ અને ઉંચાઈ 5 ફુટ 5 ઈંચ હતી. પોલીસને શંકા છે કે અનૈતિક સંબંધોના કારણે પ્રેમીકાની હત્યા પ્રેમીએ જ કરી હોય અથવાતો અનૈતિક સંબંધો ધરાવતી પત્નિને ફોસલાવી પતિ તેની પત્નની હત્યા કરી ફરાર થઈ ગયો હોય.પોલીસે જુદાજુદા અનુમાનોના આધાર પર તપાસનો દોર શરુ કર્યો છે.ગુજરાત પોલીસ પાસેથી રાજસ્થાન પોલીસને ગુનાના ડિટેક્સન માટે ખુબ આશા રહેલી છે.
વધુમાં સિરોહીના એડી. એસપી (ક્રાઈમ) અમરસિંહ ચંપાવાત દ્વારા ગુજરાત પોલીસને નિવેદન કરતા જણાવ્યું હતું કે, આ અનડિટેક્ટ હત્યાંના ગુનામાં મહિલાની ઓળખ રાજસ્થાન પોલીસ નથી કરી શકી છે. પરંતુ આ કેસમાં રાજસ્થાન પોલીસ એડી ચોટીના જોરે હત્યારા સુધી પહોંચવાનું પૂર -જોશ પ્રયત્ન કરી રહી હોવાનો દાવો કરી રહી છે. જે સંદર્ભમાં સિરોહી પોલીસે સમગ્ર રાજસ્થાન અને ગુજરાતનાં બોર્ડર વિસ્તાર પર આવતા જિલ્લાઓ અને ગામડાઓમાં ગુમ થયેલ મહિલાઓની જાણકારી મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. તો બીજીતરફ આ કેસમાં તપાસ અધિકારી અને એડી. એસપી અમરસિંહ ચંપાવાત દ્વારા ગુજરાત પોલીસને પણ આ કેસમાં મદદરૂપ થવા આશા વ્યક્ત કરી હતી. જેથી આવી રીતની કોઈ મહિલાની ખોવાયાની ફરીયાદની જાણકારી કોઈપણ વ્યક્તિ કે તેમના પરિચિત કે માતાપિતાને થાય તો તાત્કાલિક એડી. એસપી અમરસિંહ ચંપાવતનો કોન્ટેક્ટ કરી શકે છે અને જેના માટે બે હેલ્પલાઈન નંબર – 7726033285,9929221500 ઉપર જાણ કરવા અનુરોધ કરાયો હતો.