૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ શનિવારઃ- ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારો અને અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે તેના અમલીકરણ તથા દિવાળી તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતોના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભરૂચ જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ( ૧૯૭૪ના નં.ર ) ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૯પ૧ ની કલમ ૩૩ (૧) (બી) કલમ ૩૩ (૧) (યુ ) અન્વયે મળેલ સત્તાની રૂએ ભરૂચ જિલ્લામાં નીચે મુજબના કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા ફરમાવેલ છે. દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના ૨૦-૦૦ થી રર-૦૦ કલાક દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. સીરીઝમાં જોડાયેલ ફટાકડા ( ફટાકડાની લૂમ ) (Series Cracker of Laris )થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહી. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકડવા માટે માત્ર PESO સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટવાળા કે માન્ય ધ્વનિસ્તર ( DECIBLE LEVEL ) વાળા જ ફટાકડા વેચી/ વાપરી શકાશે. PESO ધ્વારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર PESO ની સુચના પ્રમાણેનું માર્કિંગ હોવું જરૂરી છે. હોસ્પિટલ,નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઇ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં,રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહીં. ઇ-કોમર્સ વેબસાઇટ,ફલીપકાર્ટ, એમેઝોન સહિતની ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહીં, ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં. લોકોને અડવડ ઉભી ન થાય, કોઇ પણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભરૂચ જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી ગેસ સ્ટોરેજ કે અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલ ગોદામો નજીક ફટાકડા/ દારૂખાનું ફોડી શકાશે નહીં. કોઇ પણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ / આતશબાજ બલુન) નું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઇ પણ સ્થળે ઉડાડી શકાશે નહીં. આ જાહેરનામાનો તા.૩૦-૧૦-ર૦ર૧ થી તા.૨૦-૧૧-ર૦ર૧ સુધી રહેશે. આ હુકમ અન્વયે ભરૂચ જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી કલમ-૧૮૮ તથા જીપીએકટની કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ – ભરૂચે એક જાહેરનામા ધ્વારા જણાવેલ છે.