ઝઘડિયાની કંપનીમાંથી એંગલો, પાઇપ અને ચેનલોની ચોરી કરતા બે ઝડપાયા
ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક રાજેશ્વરાનંદ પેપરમીલ નામની કંપની આવેલી છે.આ કંપની પાછલા એકાદ વર્ષ જેટલા સમયથી બંધ છે.ભરુચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલ સુચનાના અનુસંધાને ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા પોલીસ ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તે દરમિયાન બાતમી મળી હતી કે કેટલાક ઇસમો કંપનીમાંથી પાઇપ એંગલ અને ચેનલ જેવો સામાન ચોરી જઇને કંપની પાછળની પડતર જગ્યામાં લાવીને ગેસ કટરથી ટુકડા કરીને ટેમ્પામાં ભરીને લઇ જાય છે.પોલીસે બાતમીના આધારે તપાસ કરતા બે ઇસમો ચોરીના સામાન સહિત મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.પોલીસે ૧૨૫૫ કિલો વજનના પાઇપ એંગલ ચેનલનો સામાન તેમજ ગેસ કટર, ગેસ સીલીન્ડર,બે મોબાઇલ,રોકડા રુપિયા,એક મોટરસાયકલ તથા એક થ્રી વ્હિલ ટેમ્પો સહિત કુલ 1,91,150ના મુદ્દામાલ સાથે બિમલકુમાર શ્રીરામકિશન ધોબી મુળ ઉત્તરપ્રદેશના અને હાલ રહે.વિજયનગર અંકલેશ્વર તેમજ ચંદ્રશેખર માનસીહ વર્મા રહે.ગડખોલ પાટીયા અંકલેશ્વરને ઝડપી લીધા હતા.પોલિસમાંથી મળતી વિગત મુજબ ચોરીનો આ સામાન ગડખોલ અંકલેશ્વરના ગ્યાપ્રસાદ હજારીલાલ ચોરસીયાને વેચવામાં આવનાર હતો.હજી આ ગુનામાં સંડોવાયેલા પાંચથી છ જેટલા ઇસમોને પકડવાના બાકી હોવાનુ પોલીસ દ્વારા બહાર આવ્યુ હતુ.