ભરૂચ જિલ્લામાં આજે મધરાત્રે ચાલુ બસમાં ફિલ્મી સ્ટાઈલે આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થતા ચકચાર મચી છે. ભાવનગરથી સુરત હીરાના પાર્સલ લઈને ખાનગી ટ્રાવેલ્સની બસમાં જઈ રહેલા આંગડિયા પેઢીના 4 કર્મચારીઓને ચાલુ બસે લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, એક મુસાફરે સમય સૂચકતા વાપરી બસનો દરવાજો બંધ કરી દેતા લૂંટારાનો પ્લાન ઊંધો વળ્યો હતો. લૂંટાર તરફથી કરાયેલા ફાયરીંગમાં મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે ફરાર થઈ ગયેલા લૂંટારની શોધખોળ હાથ ધરી છે.જે બસમાં લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે એ બસ ભાવનગરથી સુરત જઈ રહી હતી. સ્લીપર કોચ બસમાં આંગડિયા પેઢીના ચાર કર્મચારીઓ સવાર હતા. આંગડિયા પેઢીના કર્મચારીઓ મોટી રકમનો મુદ્દામાલ લઈ બસમાં અવરજવર કરતા હોવાની લૂંટારુઓને પહેલા જ માહિતી હોય તે રીતે ત્રણ લૂંટારુ પહેલાથી જ બસમાં સવાર થઈ ગયા હતા.બસ સવારે ભરૂચની વાલિયા ચોકડી પાસે પહોંચતા જ ત્રણેય મુસાફરે ઉતરવાનો પ્રયાસ કરી બસ રોકાવી હતી. આ સમયે જ લૂંટારુઓએ બસના ડ્રાઈવરના માથા પર હથિયાર મુકી બસને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ સમયે બસના ક્લિનર અને એક મુસાફરે ડ્રાઈવર કેબીનમાંથી બસમાં પ્રવેશવાનો દરવાજો બંધ કરી દેતા લૂંટારુ અંદર પ્રવેશી શક્યા ન હતા. આ સમયે લૂંટારુ તરફથી દરવાજાના કાચ પર ફાયરીંગ કરતા મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી. ફાયરીંગના કારણે બસમાં દેકારો મચતા લૂંટારુઓએ ખાલી હાથ ભાગવું પડ્યું હતું. લૂંટના સ્થળ પર આવેલી એક કારમાં તમામ લૂંટારુ ફરાર થયા હતા.ભરૂચ જિલ્લામાં આજે આંગડિયા લૂંટનો જે નિષ્ફળ પ્રયાસ થયો છે તે બનાવમાં બસમાં કુલ ચાર આંગડિયા પેઢીના કર્મચારીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય કર્મચારીઓ પાસે અઢી કરોડના હીરાના પાર્સલ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, એક મુસાફર અને બસના ક્લિનરની સમય સૂચકતાના કારણે કરોડો રૂપિયાના હીરાના લૂંટ થતા અટકી હતી.લૂંટના નિષ્ફળ પ્રયાસની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આંગડિયા પેઢીના કર્મચારી અને ઈજાગ્રસ્ત મુસાફરના નિવેદન નોંધી વધુ તપાસ શરૂ કરી છે. લૂંટારાઓનું પગેરું દબાવવા પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે.
ભરૂચમાં ખાનગી બસને આંતરી આંગડિયા કર્મીઓ પાસેથી હીરા લૂંટવાનો પ્રયાસ, મુસાફરની હિંમતના કારણે અઢી કરોડની લૂંટ થતા અટકી..
Views: 65
Read Time:3 Minute, 3 Second