ચોરીની મોટરસાઇકલ તેમજ સ્પેરપાર્ટ્સ સહિતનો કુલ 1,97,000નો મુદ્દામાલ જપ્ત કરાયો..
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાઈકલોની ચોરી કરી તેમાંથી સ્પેરપાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતાં ઓચ્છણ ગામના ત્રણ ઈસમોને ચોરીની કુલ-૦૫ મોટરસાઇકલ તથા અલગ-અલગ સ્પેરપાર્ટ સહિત કુલ કિંમત રૂપિયા ૧,૯૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ બ્રાંચની ટીમે ઝડપી વાગરા પોલીસને સોંપ્યા હતાં.
ભરૂચ જીલ્લામાં મિલ્કત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્યની અલગ અલગ ટીમ બનાવી, વાહન ચેકીંગ, ડીકોય, વિગેરે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમિાન એલ સી.બી ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર નાઓની ટીમ ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી ગઇ કાલે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે, હાલ સુરત શહેરમાં રહેતો અને મુળ ઓચ્છણ ગામનો રહેવાસી સુફીયાન સલીમ પટેલ તથા ઓચ્છણ ગામના જાવીદ આદમ બગસ તેમજ રીયાઝ મુસ્તાક પટેલ આ ત્રણેય ભેગા મળી સુરત બાજુથી મોટર સાઇકલોની ચોરી કરી લાવી તેને વાગરા તાલુકાના આસપાસના ગામડાઓમાં વેચી મારે છે. અને હાલ આ ત્રણેય નમૂનાઓ ઓચ્છણ ગામે નંબર વગરની સ્પેલન્ડર મો.સા. લઇ ફરે છે. અને વેચવાની ફિરાકમાં છે. જે માહિતીના આધારે એલ.સી.બી ની ટીમ વોચ તપાસમાં રહી ઓચ્છણ ગામના પાટીયા નજી બસ સ્ટેન્ડની બહારથી નંબર વગરની સ્પેલન્ડર મોટર સાઇકલ સાથે ત્રણેયને ઝડપી પાડી RTO ને લગતા દસ્તાવેજો અથવા વાહનનો કબ્જો ધારણ કરવા બાબતેના આધાર પુરાવા માંગતા તેઓ રજુ કરી શક્યા ન હતાં. કે સંતોષકારક જવાબ પણ આપી શક્યા ન હતાં. જેથી પોલીસે પોકેટકોપ મોબાઇલ મારફતે વધુ તપાસ કરી માલીકનો સંપર્ક કરતા સદર મો.સા સને ૨૦૧૮ માં ચોરી થયેલ હોવાનું માલુમ પડ્યું હતું.
જેથી ત્રણેય આરોપીઓની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા તેઓ એકાબીજા કઝીન (પિતરાઇ) થતા હોય અને સુકીયાન સુરત શહેરમાં રહેતો હોય અને તે સુરતના વિસ્તારથી જાણકાર હોવાથી જાવીદ અને રીયાઝ ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાઈ ભાઈઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંમાંથી બાઇક ઉઠાંતરી કરી, પોલીસમાં પકડાઇ ન જવાય તે હેતુથી વાગરા તાલુકાના છેવાડાના ગામોમાં ઓળખીતા ખેડુત તેમજ મજુરોને કોઈને કોઈ બહાને પધરાવી દેતા તો ક્યારેક બાઇકને ખોલી નાંખી તેના સ્પરપાર્ટ્સ વેચી નાખતા હતા. આમ ત્રણેય આરોપીઓએ ભેગા મળી સુરત શહેરના અમરોલી, રાંદેર, મહીધરપુરા, અડાલજ, વિગેરે વિસ્તારોમાંથી કુલ ૦૭ મો.સા. ની ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જે પૈકી ત્રણ મોટર સાઇકલો આરોપીઓએ પોતાની પાસે રાખેલ અને અન્ય મોટર સાઇકલો તથા અન્ય મોટર સાઇકલના સપેરપાર્ટ્સ અલગ કરી સાહેદોને આપેલ હોય તેઓ પાસેથી મંગાવી કુલ ૦૫ બાઇકો તથા મોટર સાઇકલના એન્જિન નંગ-૦૨ તથા મોટર સાઇકલના સપેરપાર્ટ્સ જેમા સાયલેન્સર, પેટ્રોલની ટાંકી, સીટ વિગેરે મળી કુલ રૂ. ૧,૯૭,૦૦૦/- નો મુામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓને ભારતીય નાગરીક સંહિતા ૨૦૨૩ ની વિવિઘ કલમો મુજબ કાર્યવાહી કરી, વાગરા પોલીસને સોંપ્યા હતા. તેમજ સુરત શહેરના રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનોમાં જાણ કરવાની તજવીજ પણ હાથ ધરાઇ હતી.