વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં આડાસંબંધની આશંકાએ પિતા પુત્રોએ એક વ્યક્તિ પર મારક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. જ્યારે ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેના મામલામાં પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારા પિતા અને ત્રણેય પુત્રોનો ઝડપી લીધા છે.વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં વચલા ફળિયામાં રહેતા 45 વર્ષીય ગુમાનભાઈ માંદલાભાઈ વસાવા ગુજરાત ગેસ પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત 27 તારીખે રાતે નોકરી પર જઈ રહ્યાં હતા. તે દરમિયાન થોડે દૂર સૂકાભાઈ પરષોતમભાઈ વસાવાએ પોતાની પત્નીના તેઓ સાથે આડા સંબંધની આશંકાએ ગુમાનભાઈ વસાવા સાથે ઝઘડો કર્યો હતો. અને સૂકા વસાવાના પુત્ર કૌશિક વસાવા, વિક્રમ વસાવા અને ઉમેશ વસાવા પણ ગુમાનભાઈ પર કુહાડી, ધારિયા વડે તૂટી પડ્યા હતા.અને ગુમાન વસાવાને માથાના તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલ ક્રિષ્ણા વસાવા અને પરેશ વસાવા તેમજ શંભુ અર્જુન વસાવા પર પણ હુમલો કરતાં તેઓને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ ગુમાન વસાવાની હાલત વધુ ગંભીર જણાતા તેઓને સારવાર માટે અન્યત્ર ખસેડવામાં આવી રહ્યાં હતા. તે દરમિયાન માર્ગમાં તેઓનું મોત નીપજયું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે પિતા અને ત્રણ પુત્રો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં પોલીસે બાંડાબેડાથી કોંઢ જવાના માર્ગ પરથી ચારેય હત્યારાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે.
વાલિયાામાં પિતા અને ત્રણ પુત્રોએ આડાસંબંધની આશંકાએ કરેલી હત્યામાં ચાર હત્યારાઓને પોલીસે દબોચી લીધા..
Views: 79
Read Time:2 Minute, 27 Second