મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં બે જુદા-જુદા સ્થળોએ આત્મહત્યાના બનાવ બહાર આવતાં ભારે ચકચાર મચી છે. જેમાં મોડાસા તાલુકાના શામપુર ગામે ૫૫ વર્ષીય આધેડે તેની પત્ની બે મહિનાથી બાળકોને મૂકી રિસાઈ પીયર જતી રહેતા ૫ વર્ષીય પુત્રી સાથે ઝેરી પ્રવાહી પીને આત્મહત્યા કરી લેતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. બીજી બાજુ ભિલોડા ત્રણ રસ્તા નજીક બેન્ડ અને ડીજે માલિક યુવકે તેની દુકાનમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ દુનિયાને અલવિદા કરી દેતા પરિવારજનો અને સગા-સંબંધીઓ દુકાને ઉમટી પડ્યા હતા. પરિવારે ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના શામપુર ગામે રહેતા દીપસિંહ કિશોરસિંહ પરમારની પત્ની બે મહિના અગાઉ અગમ્ય કારણોસર ૫ વર્ષીય પુત્રી અને ૨ વર્ષના પુત્રને મુકીને રિસાઈ પિયર જતી રહી હતી. દીપસિંહની પત્નિ તરછોડીને જતી રહેતા બંને બાળકો સાથે તેઓ પત્ની પરત આવવાની રાહ જોઈ રહ્યા હતા. બે મહિના થવા આવ્યા છતાં પત્ની પરત ન ફરતાં મનમાં લાગી આવતા મંગળવારે સવારે તેમની ૫ વર્ષની પુત્રીને ઝેરી પ્રવાહી પીવડાવી તેમણે પણ ઝેરી દવા ઘટઘટાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. દીપસિંહની માતા સવારે પુત્રને દૂધ આપવા જતા પુત્ર-પૌત્રી ને મૃત હાલતમાં પડેલા જોતા જ બુમાબુમ કરી મુકતા પરિવારજનો અને લોકો દોડી આવ્યા હતાં. પરિવારજનોએ મોડાસા રૂરલ પોલીસને જાણ કરતાં પી.આઈ પટેલ અને તેમની ટિમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતક પીતા પુત્રીની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભિલોડાના માંકરોડા ગામના અને દીપ સ્ટાર બેન્ડના માલિક તેજસ સળુંભાઈ મોડિયા નામના યુવકે ભિલોડા ત્રણ રસ્તા પર આવેલી તેની દુકાનમાં અગમ્ય કારણોસર પંખા પર લટકીને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી હતી. યુવકે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી દેતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. યુવકે દુકાનમાં આત્મહત્યા કરી લેતા પરિવારજનો દોડી આવ્યા હતા અને ભારે રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી. ભિલોડા પોલીસે મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.