લક્ષ્મીનારાયણ દેવ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જુના તવરા ગામે રસીકરણ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના એન.એ.એસ યુનિટના કેડેટસ તરફથી રસીકરણ અંગે જાગૃતિ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોરોના સામે રક્ષણ આપતી રસી મુકવા માટે લોકોમાં જાગૃતિ આવે અને તેની માહિતી આપવા ઝુંબેશ શરૂ કરાઇ છે.
આ ઝુંબેશમાં કોલેજના આચાર્ય પ્રોફેસર અને એલડીસીપી એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફાર્મસીના 11 વિદ્યાર્થીઓ તવરા ગામ ખાતે રસીકરણ અંગે જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા. જોકે, શુક્લતીર્થ ગામથી જનજાગૃતિ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ગામડાઓમાં ફરી વિદ્યાર્થીઓએ રસીકરણ અંગે લોકોને માહિતી આપી હતી. ઉપરાંત જેમની પાસે રસીકરણ રજીસ્ટ્રેશન માટે કોઈ સાધન નથી. તેવા લોકોને રજિસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું. તવરા ગામે વહેલી સવારે જ કોલેજના વિદ્યાર્થીઓએ આવી ગ્રામજનોને રસીકરણ માટે જાગૃત કર્યા હતા.
કોલેજના વિદ્યાર્થીઓ માત્ર એક જ દિવસમાં 100થી વધુ પરિવારને મળ્યા હતા. જેમાં ૩૦ વ્યક્તિઓના રજિસ્ટ્રેશન કરી 30 વ્યક્તિઓને રસીકરણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે આગામી દિવસોમાં તમામ લોકો રસીકરણ કરાવે તે ઝુંબેશને વધુ વેગ આપવા લક્ષ્મીનારાયણ દેવ કોલેજના વિદ્યાર્થીઓ ખાસ ઝુંબેશ ચલાવી રહ્યાં છે.