‘કોવિડ સ્મશાનગૃહમાં જ વહીવટી તંત્રએ ગાઈડલાઈનનો છેદ ઉડાવ્યો
ભરૂચ જિલ્લામાં કોરોનાએ ચૂંટણી બાદ માઝા મુકી છે. ચૂંટણી સમયે શૂન્ય ઉપર પહોંચી ગયેલા કોરોનાના કેસ હવે જિલ્લામાં એકાએક ડબલ ડિજિટમાં થઈ ગયા છે. ગયા વર્ષે લોકડાઉન સાથે ભરૂચના દશાસ્વમેઘ ઘાટ ખાતે ચાલતા સ્મશાનગૃહમાં કોવિડના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા જતાં સ્થાનિક સોસાયટીના રહીશોએ ભયના કારણે અહીંથી સ્મશાન અન્યત્ર ખસેડવાની માંગણી કરી હતી.જેના કારણે વહીવટી તંત્ર દ્વારા રાજયમાં સૌ પ્રથમવાર નર્મદા નદીનાકિનારે ગોલ્ડન બ્રિજ પાસે સ્પેશિયલ કોવિડ સ્મશાનગૃહ બનાવવામાં આવ્યું હતું. જ્યાં 4 જુલાઈ 2020થી અત્યાર સુધીમાં 487 મૃતદેહોના કોવિડના પ્રોટોકોલ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધી સરકારી ચોપડે એક વર્ષમાં માત્ર 32 લોકોના જ કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. જે આંકડો સ્થિર છે. જોકે, આ કોવિડ સ્મશાનગૃહના સંચાલનનો ખર્ચ ભરૂચ નગર પાલિકાના માથે નાંખવામાં આવ્યો હતો.જે બાદ નગર પાલિકાએ મૃતદેહોને લઈ જવા માટે એક એમ્બ્યુલન્સ અને સ્મશાનગૃહના સંચાલન માટે કોન્ટ્રાક્ટ આપી સ્વયંસેવકો ફાળવવામાં આવ્યા હતા. દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે એકાએક ગાયબ થઈ ગયેલો કોરોના ફરી ઉથલો મારી રહ્યો છે. જેમાં પણ ભરૂચ શહેર અને તાલુકામાં જ સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે કોવિડ સ્મશાનગૃહમાં મૃતદેહ ઓછા આવતા હોવાથી તેના સંચાલન માટે કોઈને જવાબદારી નહીં સોંપાતા જાણે તંત્રની ઈચ્છાશક્તિના અંતિમ સંસ્કાર થયા હોય તેમ આ સ્મશાનગૃહને કોરાણે મૂકી દેવાતા નોંધારું બની ગયું છે. કોરોનાથી મૃત્યુ પામતા લોકોના સ્વજનોને અંતિમક્રિયા કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓના કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર માટે ચિતાનો વિષય બન્યો છે.સોમવારના દિવસે ભરૂચના ગ્રામ વિસ્તારમાં 07 અને શહેરી વિસ્તારમાં 07 અને અંકલેશ્વરમાં 1 મળીને કુલ 15 નવા પોઝિટિવ કેસો નોંધાતા જિલ્લાનો કુલ આંક 3886 ઉપર પહોંચ્યો છે. જિલ્લામાં કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થતા 8 લોકોને રજા અપાઈ હતી.અત્યાર સુધી જિલ્લામાંથી 3730 લોકોને રજા સારવાર બાદ રજા આપવામાં આવી છે.હાલમાં જિલ્લામાં કુલ 124 એક્ટિવ કેસો સારવાર હેઠળ છે.જિલ્લામાં એક્ટિવ કંટાઈમેન્ટ ઝોન ગ્રામ્ય વિસ્તારમાં 77 અને શહેરી વિસ્તારમાં 66 મળીને કુલ 143 છે.સોમવારે જિલ્લામાં કોરોનાના બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા.