Nari prahar news રાજકોટઃ ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પાટીલ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેમજ તેમની આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમનો ભંગ કરાયો હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં ગણપતિ સહિતનાં ધાર્મિક ઉત્સવો ઉજવવાની મનાઈ વચ્ચે ગતરાત્રે પાટીલનાં સ્વાગતમાં ભવ્ય સ્કૂટર રેલી પણ યોજાઈ હતી. ત્યારે હવે ‘ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા’ કહેવત મુજબ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી પાટીલની રેલી તેમજ રોડ-શો સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસનાં આવેદનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગત માટેના કાર્યક્રમમાં થયેલ મેળાવડામાં જાહેરનામા ભંગ સોશ્યલ ડિસ્ટન્સ અને એપેડેમિક એકટના ભંગ સબબ શહેર તાલુકા જિલ્લા પ્રમુખ અને આગેવાની સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન સોમનાથથી રાજકોટ સુધીમાં અનેક વખત સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન થયું હોઇ લગત પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની રજૂઆત કરવામાં આવી છે.