અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા એક કોલ સેન્ટરના સંચાલક પાસેથી 65 લાખ રૂપિયાનો તોડ કરાયો છે તે કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ કરી રહી છે.જેમાં ફલિત થયું છે કે લાંચિયા પોલીસકર્મીઓએ આંગડિયા મારફતે લાંચની રકમ મેળવી હતી.
આ તોડકાંડમાં જેના ઉપર તોડબાજીનો આરોપ છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ વાય.બી. જાડેજા ક્વોરોન્ટાઇન થઈ ગયા છે. તોડકાંડમાં પૂછપરછ સમયે જ પીઆઈ જાડેજા કોરોના પોઝિટિવ થઈ ગયા છે જે આશંકાઓ ઉપજાવે તેવી વાત છે. આ કેસમાં એક પીએસઆઇ અને લાંચિયા કોન્સ્ટેબલની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાથી તેમની ક્રાઇમબ્રાન્ચ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે.
હાલ જે કોન્સ્ટેબલની પૂછપરછ હાથ ધરાઈ છે તે કોન્સ્ટેબલ સામે અગાઉ પણ તોડબાજીના આક્ષેપ થયેલા છે. અને હવે ફરીથી આ બધાએ ભેગા મળીને લાખો રૂપિયાનો તોડ કર્યો છે. આપને જણાવી દઈએ કે અગાઉ પણ અમદાવાદનાં મહિલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ સ્વેતા જાડેજા પણ 35 લાખના તોડકાંડમા સંડોવાયા હતા, જેથી તેમને સસ્પેન્ડ કરાયા હતા અને હાલ પીએસઆઈ સ્વેતા જાડેજા જેલમાં બંધ છે . સ્વેતા જાડેજા તોડ પ્રકરણમાં પણ આંગડિયા મારફતે પૈસા લેવામાં આવ્યા હતા અને હાલ 65 લાખના તોડકાંડમા પણ આંગડિયા મારફતે પૈસા લીધા હોવાની ચર્ચા છે. જેમાં એક સિનિયર અધિકારી સુધી આ લાંચના રૂપિયા પહોંચ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યો છે. હવે જોવાનું રહ્યું કે ક્રાઇમબ્રાન્ચ આ કેસની તપાસ કેટલી તટસ્થ રીતે કરે છે. સાથે જ પીઆઈ કક્ષાના અધિકારીએ આટલો મોટો તોડ કોના ઇશારે કર્યો છે, તે પણ તપાસ નો વિષય છે.