અખબારી યાદી તા. ૦૨.૦૯.૨૦૨૦
રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધાર
ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
……….
• જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે
• સાયબર ગુનાઓના નિયંત્રણ માટે ઇંફોર્મેશન ટેકનોલોજી એકટની જોગવાઇઓ પ્રમાણેના ગુનાઓ કરતી કે કરવાનો પ્રયાસ કરતી વ્યક્તિઓને સાયબર ઓફેન્ડર ગણવામાં આવશે.
• ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમની જોગવાઇઓ હેઠળના વિવિધ ગુનાઓ પૈકીનો કોઇ ગુનો જેવો કે વ્યાજના હપ્તાની વસુલાત સહિત શારીરીક હિંસા – ધમકી આપતી વ્યક્તિ દોષિત ગણાશે
• જાતિય ગુનાઓ સંદર્ભે પોક્સોના કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાશે
• રાજ્યમાં અમલી પાસાના કાયદામાં સુધારો કરવા રાજ્ય સરકાર લાવશે વટ હુકમ
………..
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ નિર્ધાર સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ ચાલતી અમારી સરકારે નાગરિકોને સુખાકારી સાથે સગવડો આપી છે. રાજ્યમાં પ્રવર્તિ રહેલ શાંતિના પરિણામે જ આખી દુનિયાની નજર ગુજરાત પર છે ત્યારે રાજ્યમાં ગેરકાયદેસર ગુનહિત કૃત્યો કરનાર વ્યક્તિઓને છુટોદોર ન મળે તે માટે રાજ્ય સરકારે પાસાનો કાયદો અમલી બનાવ્યો છે.
મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે તત્કાલીન મુખ્ય મંત્રીશ્રી અને દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટીવત નેતૃત્વ અને દિર્ઘપૂર્ણ આયોજનના પરીણામે રાજ્યમાં આજે કોઇપણ અસામાજીક તત્વોને ગુનો કરવો હોય તો સો વાર વિચાર કરે છે. આ તત્વોને નેસ્ત નાબુદ કરવા માટે પાસાના કાયદામાં સુધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વટ હુકમ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે.
મંત્રીશ્રીએ કહ્યું કે પાસા કાયદા હેઠળ ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની જોગવાઇ પ્રવર્તમાન કાયદામાં છે. પ્રવર્તમાન પાસાના કાયાદામાં જે જોગવાઇઓ છે તેમાં આઇ.પી.સી., તથા આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓ આચરનાર વ્યક્તિ, ભયજનક હોય તેવો વ્યક્તિ, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવો પ્રોપટીગ્રેબર વ્યક્તિ, કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલ હોય તેવો ડ્રગ ઓફેન્ડર વ્યક્તિ, દેહવિક્રયમાં જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલ ગુનેગાર, દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર બુટલેગર જેવા વ્યક્તિઓને વિરુધ્દ્ધ પાસા કાયદાની જોગવાઇઓનો ઉપયોગ કરીને અટકાયતમાં લઇ શકાય છે. પરંતુ પાસાની જોગવાઇઓના વ્યાપને વિસ્તારીને, પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજીને લગતા તથા જાતીય સતામણી જેવા ગુનાઓનું પ્રમાણ આજે જ્યારે વધી રહ્યું છે, ત્યારે આવા ગુનાઓને ડામવા માટે આ સુધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે ‘જુગારનો અડ્ડો ચલાવનાર વ્યક્તિને પાસા એક્ટ હેઠળ આવરી લેવાયા છે. જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનામાં દોષિત ઠરી હોય અને એવી રીતે દોષિત ઠર્યાની તારીખથી ત્રણ વર્ષની અંદર પોતે અથવા ટોળીના સભ્ય કે સરદાર તરીકે ગુનો વારંવાર કરે અથવા કરવાની કોશીશ કરે અથવા તે કરવામાં મદદગારી કરે તેવી વ્યક્તિ સામે પગલા લેવામાં આવતા હતા. આ સુધારાના કારણે હવે ‘જાહેર જુગારના અડ્ડાનો હવાલો ધરાવનાર વ્યક્તિ’ ને વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે જે અનુસાર ગુજરાત જુગાર અધિનિયમ, ૧૮૮૭ની કલમ-૪ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા કરવાનો પ્રયાસ કરે અથવા કરવામાં મદદગારી કરે તેવી વ્યક્તિ ગુનેગાર ગણાશે.
શ્રી જાડેજાએ ઉમેર્યું કે ટેકનોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુનોઓ બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, ૨૦૦૦ અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને આ વ્યાખ્યામાં આવરી લેવામાં આવેલ છે.
આ ઉપરાંત આ કાયદામાં જે નવી જોગવાઇઓ ઉમેરાઇ છે તેમાં નાણા ધીરધાર સંબંધી ગુનો કરનારને વ્યાખ્યાઇત કરવામાં આવ્યા છે. જે અનુસાર ગુજરાત નાણાની ધીરનાર કરનારાઓ બાબતનો અધિનિયમના પ્રકરણ–૯ હેઠળ શિક્ષાપાત્ર ગુનો કરનાર, ગુનાનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારી કરનાર, લોન અથવા તેના વ્યાજ અથવા તેના હપ્તા વસૂલવા અથવા લોનના વ્યવહાર સાથે સંકળાયેલ સ્થાવર કે જંગમ મિલ્કતનો કબજો લેવા વિ,. હેતુથી શારીરિક હિંસાનો ઉપયોગ કરવો, કે તે માટે ધમકી આપવી, અથવા આવી વ્યક્તિ વતી કોઇ વ્યક્તિ પાસે કામ કરાવવાની બાબતનો સમાવેશ કરાયેલ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં જાતીય ગુનાઓનું પ્રમાણ ઘટે અને મહિલાઓને વધુ સુરક્ષીત કરી શકાય તે આશયથી પાસાના કાયદામાં જે જોગવાઇઓ હતી તેને વિસ્તારવામાં આવી છે. ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની વિવિધ કલમો તેમજ પોક્સોના કાયદા હેઠળના શિક્ષાપાત્ર ગુનો કરે, કે એવો પ્રયાસ કરે, કે તેમાં મદદગીરી કરે તેવી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
તેમણે કહ્યું કે પાસા કાયદા હેઠળ ‘ભયજનક વ્યક્તિ’ને વ્યાખ્યાઇત કરેલ છે જે અનુસાર વ્યક્તિ પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો વારંવાર કરે, કે તેમ કરવાની કોશીશ કરે, મદદગારી કરે તે વ્યક્તિ આ સુધારાથી હાલની કલમમાં સુધારો કરાયો છે. જેમાં ‘ભયજનક વ્યક્તિ’ એટલે એ વ્યક્તિ પોતે અથવા ટોળીના સભ્ય અથવા સરદાર તરીકે ભારતના ફોજદારી અધિનિયમના પ્રકરણની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો અથવા શસ્ત્ર અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓ પૈકીનો કોઇ પણ ગુનો વારંવાર કરે, કે તેમ કરવાની કોશીશ કરે કે મદદગારી કરે તે વ્યક્તિ સામે પગલા લેવાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે પ્રવર્તમાન કાયદાની હાલની પેટા કલમમાં દારુનો ગેરકાયદે ધંધો કરનાર, જુગારનો અડ્ડો ચલાવનાર, ક્રુર વ્યક્તિ, ભયજનક વ્યક્તિ, ઔષધ ગુનેગાર, અનૈતિક વ્યાપાર ગુનેગાર, મિલ્કત પચાવી પાડનાર, જાહેર વ્યવસ્થા જાળવી રાખનારને પ્રતિકુળ અસર કરનાર કે તેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલ હોય અથવા તેમાં રોકાવા માટે તૈયારી કરતી હોય ત્યારે આવી વ્યક્તિ, ‘જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને બાધ આવે તેવી રીતે કામ કરે છે’ તેમાં સુધારો કરીને સાયબર ગુનો કરનાર, અથવા નાણાની ધીરધાર સંબંધી ગુનો કરનાર અથવા જાતીય ગુનો કરનાર વ્યક્તિઓને પણ સમાવી લેવામાં આવેલ છે
મંત્રીશ્રીએ કહ્યું કે પાસા એક્ટના આ કાયદામાં સુધારો કરવાનો મુખ્ય ઉદ્દેશ જોઇએ તો પ્રવર્તમાન સંજોગોમાં દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ અને મોડસ ઓપરેન્ડી બદલાતી રહી છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીના આધુનિક યુગમાં આ નવી ટેકનોલોજી લોકોને ઘણી જ મદદરૂપ રહી છે અને તેના કારણે લોકોની જીવનશૈલીમાં પણ ખુબજ સુધારો થયો છે. પરંતુ તેની વિપરીત અસરોના કારણે
સાયબર ક્રાઇમ સહિતના અન્ય ગુનાઓનો વ્યાપ વધતો અટકાવવા આ સુધારો કરવાનો નિર્ણય કરાયો છે.
તેમણે કહ્યું કે રાજ્યનો સામાન્ય નાગરિક સાયબર ક્રાઇમનો ભોગ બને છે. સાયબરના ગુનાઓથી થતી છેતરપીંડીમાં આમ નાગરિકને બહુ જ મોટું આર્થિક નુકસાન ભોગવવાનું આવે છે. સાયબર ક્રાઇમ એ એક વિશ્વવ્યાપી ગુનાહિત પ્રવૃત્તિ છે. સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે આઇ.ટી. એક્ટમાં આરોપીઓને સજા કરવાની જોગવાઇઓ છે. પરંતુ ગુનાની મોડસ ઓપરેન્ડી વિવિધ પ્રકારની હોવાથી ગુનાની તપાસથી શરૂઆત કરીને ન્યાયાલયમાં આખરી ચુકાદા મેળવવામાં સમય લાગી જાય છે. આ પરિસ્થિતિમાં ગુનો આચરનાર વ્યક્તિ આવા ગુના કર્યા પછી અને આવા ગુનાઓ ધ્યાને આવ્યા બાદ ફરીથી અન્ય કોઇને તેની જાળમાં ન ફસાવે તે માટે પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કામગીરી ચાલે તે દરમ્યાન તેને અટકાયતમાં લઇ લેવાથી સમાજના નિર્દોષ લોકો તેના ગુનાનો શિકાર બનતા અટકશે. આથી હાલના કાયદામાં સાયબર ક્રાઇમની કેટેગરી ઉમેરવામાં આવી રહી છે.
શ્રી જાડેજાએ ઉમેર્યું કે મહિલાઓ અને બાળકો ઉપર થતા જાતિય ગુનાઓ માટે આઇ.પી.સી.ની કલમ ૩૫૪, ૩૭૬ અને ૩૭૭માં આરોપીને શિક્ષા કરવાની જોગવાઇ છે. આઇ.પી.સી.ની કલમ ૩૭૬ની જોગવાઇઓને તાજેતરમાં વધારે કડક બનાવી છે. પાસા કાયદાની હાલની જોગવાઇ પ્રમાણે જાતિય ગુના આચરનાર વ્યક્તિની ‘ભયજનક વ્યક્તિ’ ની કેટેગરીમાં અટકાયત થઇ શકે છે. પરંતુ સાંપ્રત સમયમાં જાતિય ગુનાએા એ સમાજ માટે આંખ ખોલનારી બાબત બની રહ્યા છે.
આવા ગુનેગારોને સામાન્ય કાયદા હેઠળ સજા અપૂરતી જણાતા કેન્દ્ર સરકારે તેમાં ખાસ સુધારા કર્યા છે અને કાયદો વધારો કડક બનાવ્યો છે ત્યારે આવા જધન્ય ગુના આચરનાર તત્વો જામીન ઉપર છુટીને ફરી તેમની ગુનાહિત પ્રવૃત્તિ અને
ગુનાહિત માનસીકતા ચાલુ રાખીને સમાજમાં એક દુષણરૂપ બની ન રહે તે માટે તેઓને જેલના સળીયા પાછળ રાખવા અત્યંત જરૂરી છે અને આ માટે હાલના કાયદામાં સુધારો કરીને એક નવી કેટેગરી ‘જાતિય ગુનેગાર ’ ઉમેરવાનું રાજ્ય સરકારે નક્કી કરેલ છે.
વર્તમાન પરિસ્થિતમાં સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાનું દૈનિક જીવન ધોરણ ટકાવી રાખવા તેમજ સામાજીક પ્રસંગોપાત ક્યારેક એવા સંજોગો ઉભા થાય છે કે ખાનગી સંસ્થા / વ્યક્તિઓ પાસેથી તેને પૈસા ઉછીના લેવા પડે. આ રીતે નાણા ધીરધારની પ્રવૃત્તિને નિયંત્રણમાં રાખવા માટે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ અમલમાં છે જ.આ એક્ટની જોગવાઇ મુજબ કોઇપણ વ્યક્તિ નાણા ધીરધારની પ્રવૃત્તિ કરી શકે છે. પરંતુ કેટલાક અસામાજીક તત્વો ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની આર્થિક લાચારીનો લાભ લઇ ઉંચા વ્યાજે ગેરકાયદેસર રીતે નાણા ધીરીને અને ત્યારબાદ આવા નાણા અને તેના વ્યાજની વસુલાતના નામે પરિવારોને ધાકમાં લેવાની તથા તેમ કરીને તેમના ઉપર આર્થિક, માનસીક તેમજ શારીરીક અત્યાચાર કરે છે. આવા અસામાજીક લોકોને જેને આપણે સામાન્ય ભાષામાં વ્યાજખોર (loan shark) તરીકે ઓળખીયે છીએ. રાજ્યના આર્થિક વિકાસની સાથે સાથે આ બદી છેલ્લા થોડા સમયથી ફુલીફાલી છે તેવી બાબત સરકારના ધ્યાન પર આવેલ છે. જેને નિયંત્રણમાં લેવા અને મધ્યમવર્ગી પરિવારોને સહાયરૂપ થવાનો મુખ્ય ઉદ્દેશ છે તેમ તેમણે ઉમેર્યું છે.
ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
Views: 86
Read Time:14 Minute, 43 Second