: ત્રણ દિવસ પહેલાની એક ઘટના સામે આવી છે. સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમને કોઈ અજાણી વ્યક્તિએ માહિતી આપી હતી કે, શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી ગોયેન્કા હાઈસ્કૂલ પાસેની ફૂટપાથ પર અંદાજે 15 વર્ષની એક નાની છોકરી બેસીને રડી રહી છે. સુરત પોલીસ કંટ્રોલરૂમને આ માહિતી મળતાં જ તેમણે ઉમરા વિસ્તારના તમામ પેટ્રોલિંગ વિહકલ્સને આ ઘટના અંગે જાણકારી આપી હતી. આ વખતે જ ઉમરાના પોલીસ ઈન્સપેક્ટર મહેન્દ્ર સાળુંકે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમણે પણ પોતાના સરકારી વાહનમાં વાયરલેસ પર આવેલી આ માહિતી સાંભળી ને તેઓ તરત જ ગોયેન્કા હાઈસ્કૂલ પહોંચી ગયા હતાં.
પોલીસ કંટ્રોલ રૂમમાંથી આપવામાં આવેલી માહિતી સાચી હતી, એક નાની છોકરી ફૂટપાથ પર બેસી ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. આમ તો નાની છોકરી કોઈની મદદ ઈચ્છી રહી હતી પરંતુ પોલીસનું વાહન અને પોલીસ યુનિફોર્મમાં અધિકારીઓને જોઈ તે વધારે ડરી ગઈ હતી. જોકે ઈન્સપેક્ટર સાળુંકેએ તેને ખુબ પ્રેમથી રડવાનું કારણ પુછ્યું પણ તે હીબ્કા ભરવા લાગી હતી.
પોલીસ તરીકેની લાંબી નોકરી કરનાર ઈન્સપેક્ટર સાળુંકે નાની છોકરીની મનોસ્થિતિ સમજી ગયા હતા અને તેમણે તરત જ બાળકીને પુછવાનું છોડીને ઉમરા પોલીસ સ્ટેશનમાં રહેલા મહિલા સબ-ઈન્સપેક્ટરને સ્થળ પર બોલાવી આખો મામલો સમજાવ્યો હતો.
મહિલા સબ-ઈન્સપેક્ટર રડી રહેલી નાની છોકરીને લઈ એક ખૂણામાં ગયા પછી ત્યાં તેમણે એક દમ શાંતિ અને પ્રેમભાવે તેની વ્યથા સમજવાનો પ્રયાસ કર્યો હતો. થોડીવાર પછી મહિલા સબ ઈન્સપેક્ટર ઈન્સપેક્ટર સાળુંકે પાસે આવ્યા ત્યાં તેમણે પીએસઆઈની વાત સાંભળી તેઓ રીતસર ધ્રુજી ગયા હતાં.નાની છોકરીની વાત પ્રમાણે તેને એક ચોક્કસ ગેંગ દ્વારા સ્પાના નામે ચાલતા દેહ વ્યપારના ધંધામાં ધકેલી દેવાઈ હતી અને રોજ સવારથી સાંજ આ 15 વર્ષિય છોકરી સાથે ઓછામાં ઓછા ચાર ગ્રાહકો શરીર સંબંધ બાંધતાં હતાં. આખરે કંટાળીને આ દીકરી આ ગેંગની ચૂંગાલમાંથી ભાગી તો ખરી પણ સુરતની ભૂગોળથી અપરિચિત દીકરીને સુજ પડી નહીં કે ક્યાં જવું માટે તે ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી. આ દર્દનાક ઘટના સર્જાઈ ત્યારે લોકોનાં ટોળાં પણ વળ્યાં હતાં.
મહિલા પોલીસ સાથે આ દીકરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી જ્યાં તેને સમજાવીને શાંત પાડવામાં આવી પછી તેને જમાડી અને વિગતે પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, ભરૂચ પાસેના એક ગામમાં પોતાના પરિવાર સાથે તે રહેતી હતી. એક દિવસ પિતા સાથે તેને ઝઘડો થયો હતો અને તેણે ઘર છોડી ગુસ્સામાં તે ત્યાંથી ભાગી ગઈ હતી. પોતાના ગામના જ સ્ટેશનેથી ટ્રેનમાં બેસી તે સુરત સ્ટેશન પર ઉતરી ગઈ પરંતુ સુરતમાં ક્યાં જવું ક્યાં રહેવું વગેરે જેવા પ્રશ્નો તેને સતાવી રહ્યા હતા. ત્યારે એક યુવતી તેની પાસે આવે છે. જે પોતાનું નામ મુસ્કાન શેખ તરીકે આપે છે અને મુસ્કાન કહે છે કે, તે તેના રહેવા અને જમવા અને કામની વ્યવસ્થા કરી આપશે.
હજુ તો દુનિયાને સમજવાનો પ્રયત્ન કરતી આ દીકરી પિતા સાથે ઝઘડાને કારણે ઘર છોડી નીકળી હતી પરંતુ તેને ખબર નહોતી કે હવે તેની જીંદગી દોજખ બનવાની છે. મુસ્કાન આ દીકરીને પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે પોતે એક સ્પામાં કામ કરે છે જ્યાં સારાં પૈસા મળે છે અને તેને પણ આ કામ અપાવશે પરંતુ દીકરીને બે જ દિવસમાં આખી ઘટના સમજાઈ ગઈ હતી. મુસ્કાન તેને રોજ અલગ અલગ સ્પામાં લઈ જતી જ્યાં તેની પાસે રોજ નવા પુરુષો આવતાં હતાં.
આ દીકરી તેમનો વિરોધ કરતી ત્યારે ગ્રાહક કહેતો કે કાઉન્ટર પર પૈસા આપીને આવ્યા છીએ. મુસ્કાન આ દીકરીને રોજના ચાર અલગ અલગ સ્પામાં ગ્રાહકો પાસે લઈ જતી હતી. આમ કરતાં કરતાં ત્રણ મહિના પસાર થઈ ગયા હતાં. આ દીકરી ભાગવાની તક શોધી રહી હતી અને ત્રણ દિવસ પહેલા તેને તેમાં સફળતા મળી તેના સદનસીબે તેને રડતી જોઈ કોઈએ પોલીસને જાણ કરી અને પોલીસ તાત્કાલિક તેની મદદે આવી ગઈ.ઉમરા પોલીસે આ અંગે દીકરીના પરિવારને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતાં. દીકરીના પિતાની ફરિયાદ લઈ મુસ્કાન સહિત પોલીસે સ્પાના ચાર મેનેજર્સની ધરપકડ કરવામાં આવી છે અને દીકરીને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવી હતી. ઉમરા પોલીસ તપાસ કરી રહી છે કે, મુસ્કાને આવી રીતે બીજી કેટલી છોકરીઓને કામ આપવાની લાલચ આપી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી છે.