- તાલુકા પંચાયત ખાતે સમર્થકો સાથે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને
- કચેરીમાં TDO ને ચૈતર વસાવાએ ધમકી આપી ગેરવર્તન કરાયું : મનસુખ વસાવા
- મનસુખ વસાવા કોઈ પદ પર નહિ દેડિયાપાડાના નાગરિક નહિ ક્યાં હોદ્દાની રુહે ખુરશીમાં બેઠા : ચૈતર વસાવા
- બંને પક્ષોના ઉમેદવારો સાથે ટોળા ઉમટી પડતા મામલો થાળે પાડવા પોલીસે કરવી પડી દરમિયાનગીરી
ભરૂચ લોકસભાની હોટ સીટ પર ચૂંટણી બાદ પણ આજે આપ અને ભાજપ ઉમેદવાર વચ્ચે રાજકીય ધમાસણ જોવા મળ્યું હતું.
દેડિયાપાડામાં આજે શુક્રવારે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સમર્થકો સાથે બન્ને પક્ષના કાર્યકરોના ટોળે ટોળા ઉમટી પડતા વણસતી પરિસ્થિતિને નિયંત્રિત કરવા પોલીસે દોડવું પડ્યું હતું.
બપોરે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા પોતાના ફેસબુક પર મેસેજ મુકાયો હતો કે, દેડિયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં TDO સાથે ચૈતર વસાવા ધાક ધમકી કરી રહ્યાં છે.
બંધ ઓફિસમાં સ્ટાફના બીજા લોકોને બહાર કાઢી મૂકી અધિકારી સાથે ગેરવર્તન કરાતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. જે બાબતની જાણ થતાં મનસુખ વસાવા તાત્કાલિક દેડિયાપાડા પોહચવા રવાના થયા હતા. સાથે જ તેઓએ પોતાની FB પોસ્ટમાં બીજા તાલુકા પંચાયતના સભ્યોને પણ કચેરીએ પહોંચવા જણાવી કોઈપણ કર્મચારીએ ગભરાવવાની જરૂર નથી, સરકાર તમારી સાથે હોવાનો મેસેજ સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો હતો.
બીજી તરફ દેડિયાપાડા તાલુકા પંચાયત બહાર ભારે ભીડ વચ્ચે ચૈતર વસાવા અન્ય વિપક્ષી સભ્યો અને તેમના સમર્થકો સાથે હાજર હતા. આપ અને ભાજપના બંને ઉમેદવારો તાલુકા પંચાયત ખાતે સમર્થકોના ટોળા લઇ પોહચતા પોલીસ પણ વાતાવરણ બગડે નહિ તે માટે એક્શનમાં આવી ગઈ હતી.
દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા દેડિયાપાડાના નાગરિક નહિ, કોઈપણ પદ પર નથી. ત્યારે આજે તાલુકા પંચાયતમાં ક્યાં હોદાની રુહે ખુરશીમાં કલાકથી બેઠા હોવાનો સવાલ પૂછ્યો હતો.
બધાને શું કરવા મનસુખ વસાવાએ દેડિયાપાડા બોલાવ્યા છે. એમને બહાર બોલાવો, TDO ને પણ બોલાવો, ચોખવટ કરાવોનો સુર વ્યક્ત કરી હાજર પોલીસ પણ તેઓ સાથે હોવાનો આરોપ લગાવ્યો હતો.
જોકે મનસુખ વસાવા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં આવતા જ બહાર રહેલા ચૈતર વસાવા અને તેમના સમર્થકોની હાજરીમાં સામ સામે ઉગ્ર બોલાચાલી તેમજ આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચાલ્યો હતો.