ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર અકસ્માતો વધી રહયાં છે ત્યારે અંકલેશ્વર નજીક આવેલી વર્ષા હોટલ પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માતમાં બંદોબસ્તમાંથી પરત ફરી રહેલાં એક જીઆરડી જવાનનું મોત થયું છે જયારે બીજો સારવાર હેઠળ છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન રાજકુમાર ઝા અને મહેશ વસાવા પુનગામના લાખા હનુમાન મંદિર ખાતે બંદોબસ્તમાં ગયા હતાં. મંગળવારે રાત્રિના 10.30 વાગ્યાના અરસામાં બંને પુનગામથી ઘરે પરત આવવા માટે નીકળ્યાં હતાં. અંકલેશ્વર હાઇવે પર આવેલી વર્ષા હોટલના યુટર્ન પાસે બંને બાઇક લઇને ટર્ન મારવા માટે ઉભા હતાં. આ સમયે ટર્ન લેવા જતાં બે ટ્રક એકબીજા સાથે અથડાઇ હતાં. જેમાં બેકાબુ બનેલી એક ટ્રકે બાઇક સવાર જીઆરડી જવાનોને અડફેટમાં લીધાં હતાં. જેમાં મહેશ વસાવાનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ મોત થયું હતું જયારે રાજકુમારને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો. અકસ્માતગ્રસ્ત ડમ્પરમાંથી રેતી હાઇવે પર ઢોળાતાં વાહનવ્યવહાર થંભી ગયો હતો. પોલીસની ટીમે રેતી હટાવડાવી વાહનવ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો. વર્ષા હોટલ પાસેના યુ ટર્નને અકસ્માત ઝોન ગણવામાં આવે છે. છેલ્લા 6 મહિનમાં અહીં અકસ્માતના 10 બનાવ બની ચુકયાં છે તેમ છતાં અકસ્માતોના નિવારણ માટે ચોકકસ અને અસરકારક પગલાં ભરવામાં આવતાં નથી.
અંકલેશ્વર: બે ટ્રકની ટક્કરમાં બાઇક અડફેટે આવતાં GRD જવાનનું મોત, અન્ય ઘાયલ
Views: 40
Read Time:1 Minute, 51 Second