ઓચ્છણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો
વાગરા તાલુકાના ઓચ્છણ ગામે બાળકો નો ઝઘડો મોટેરા ઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. કિશન નામના સક્ષની દુકાનમાં સળગતો કાકડો નાંખી દુકાનના પુઠા અને કોથળો સળગાવી માઁ બેન સમાણી ખરાબ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપવા બાબતે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે.આ અંગે જિલ્લા પોલીસ સહિત વાગરા પોલીસ નો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયો હતો.અને મામલો થાળે પાડ્યો હતો.હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઓચ્છણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વાગરા પોલીસ સૂત્રો થકી મળેલ વિગતો અનુસાર કિશનભાઈ કૈલાશચંદ્વ કુમાવત હાલ રહે, ઓચ્છણ,રામજી મંદીર,તાલુકો-વાગરા, મુળ રહે, બાગા કા ખેડા,સુથાર મોહોલ્લો, તાલુકો -હુરડા જીલ્લો-ભીલવાડા (રાજસ્થાન) જેઓ ઓચ્છણ ગામે છેલ્લા બે વર્ષથી પત્ની સાથે રહે છે.ઓચ્છણ ગામે રામજી મંદીરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રણા ને મળી મંદીરના નીચેના ભાગે પાછળ તરફના ખંડમાં અનાજ – કિરાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે.ઓચ્છણ વાંટા ફળીયામાં રહેતા અબ્દુલ મહમદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટોની બરણીઓ કાઢી અને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા. દરમિયાન ગઈ કાલ તા. ૨૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ રાતના આશરે સાડા દશેક વાગ્યાના અરસામાં કિશનભાઈ તથા તેઓની પત્ની પુજા દુકાને હાજર હતા.તેવામા અબ્દુલ પટેલનો છોકરો તલ્હા તથા તેહજીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા કિશન ભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપેલ. તેવામાં તલ્હા તથા તેની સાથેનો તેહજીબ જેઓ દુકાન આગળ જોર જોરથી ગાળો બોલતા હતા જેમને ગાળો બોલવાની ના પાડી હતી.તેવામા તેમની બુમો સાંભળી જાવીદ આદમ પટેલ,હુજેફ જાકીર પટેલ,મુસ્તાક મહમદ પટેલ,સઈદ મહમદ પટેલ,તસ્લીમા અબ્દુલ પટેલ,સબીના મુસ્તાક પટેલ,ફીરોજા મુસ્તાક પટેલ,રીયાઝ મુસ્તાક પટેલ,અબ્દુલ મહમદ પટેલ ની સાથે બીજા ૧૫ થી ૨૦ જેટલા મુસ્લીમ સમાજના લોકોનુ ટોળુ કિશનભાઈ ની દુકાન આગળ આવી ગયુ હતુ.તેવામા આ લોકો કિશનને ગમે તેમ માં બેન સમાણી ગાળો બોલી બહારથી આવીને અહીં દાદાગીરી કરે છે.તેમ કહી કિશન ને અબ્દુલ મહમદ પટેલ,મુસ્તાક મહમદ પટેલ,હુજેફ જાકીર પટેલ,જાવીદ આદમ પટેલ એ પકડી ગળાના ભાગે,પીઠના ભાગે ઢીકાપાટુનો તથા પટ્ટા વડે માર મારવા લાગેલ હતા.આ તકરારમાં કિશન ના શર્ટના બટનો તુટી ગયા હત.તેવામા તેઓની સાથેના બીજા માણસો એ પણ છુટા પથ્થરો નાંખતા જેમાં અબ્દુલની પત્ની તસ્લીમાને પથ્થર વાગ્યો હતો.અબ્દુલ મહમદ પટેલ ગમે તેમ ગાળો બોલી સળગતો કાકડો લઈ ને આવી સળગાવી દો તેમ કહી કિશનની દુકાનમા સળગતો કાકડો નાંખતા દુકાન માં ખુણામા પડેલ પુઠા તથા કોથળા સળગી ઉઠયા હતા.તે પછી વધારે ઝઘડો થતા ઓચ્છણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવેલ હતા.ટોળા ના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રણાને ફેટ પકડી નીચે પાડી ઢીકા પાટુનો માર મારી ટી-શર્ટ પણ ફાડી નાંખેલ હતી.અને જાન થી મારી નાંખવાની ધમકી આપી હતી.કિશન તેમની પત્ની પુજાબેન અને ધર્મેન્દ્રસિંહ રણાને ઢીકા પાટુનો માર મારવામાં આવતા આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઓચ્છણ ગામે શાંતિ ડહોળાય નહિ તેને ધ્યાને લઇ પોલીસે હાલ તો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
દુકાન આરોપીએ સળગાવી કે ફરિયાદી એ એક યક્ષપ્રશ્ન….???
વાગરા ના ઓચ્છણ ગામે છોકરાઓ ની લડાઈ મોટેરાઓ વચ્ચે ની મારામારી માં ફેરવાઈ હતી.આ અંગે વાગરા પોલીસ મથક માં કિશને તેની દુકાન અબ્દુલ પટેલે સળગાવી હોવાનું લખાવ્યુ છે.તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરિયાદી એ જાતે જ દુકાન સળગાવી દીધી હોવાનું જાણવા મળ્યુ છે.અને ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની ચર્ચાઓ એ વ્યાપક જોર પકડ્યુ છે.જો કે આ અંગે પોલીસ ઊંડાણ પૂર્વક વધુ તપાસ કરશે તો દૂધ નું દૂધ અને પાણી નું પાણી થઇ જાય તેમ છે.
મહિલાને માથામાં ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ
વાગરાના ઓચ્છણ ગામેં થયેલ ઝઘડામાં તસ્લીમાં પટેલને માથાના ભાગે ઇજાઓ થવા પામી હતી.ઇજા થતા તેઓને વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.જયાંથી તેમને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે તેમને પૂછતાં તસ્લીમાં એ સરપંચ ધર્મેન્દ્રસિંહ એ માથા માં દંડો મારી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યુ હતુ.જો કે આ લખાઈ રહ્યુ છે ત્યારે હજુ સુધી તસ્લીમાં ની ફરિયાદ નહિ લેવાયાની માહિતી સાંપડી છે.તો બીજી તરફ પોલીસ એક તરફી કામગીરી કરી રહી હોવાના આક્ષેપો પણ ચોક્કસ સમાજ દ્વારા કરવામાં આવ્યા છે.