લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪******
ભરૂચ – શનિવાર- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકશ્રી રામ કુમાર યાદવે (IRS) એ જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ખર્ચ દેખરેખ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકના પ્રારંભે નાયબ ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિયા ગાંગૂલીએ ખર્ચ નિરીક્ષકશ્રીને ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારનાં વિવિધ પાસાઓ અંગે અવગત કરાવ્યા હતા. ખર્ચ નિરક્ષકશ્રીએ ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની ૦૫ વિધાનસભા અને નર્મદા જિલ્લાની ડેડીયાપાડા વિધાનસભા અને વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા જેવા મતવિસ્તારો તેમજ તેમાં આવેલા મતદાન કેન્દ્રો, મતદારોની સંખ્યા વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.
ખર્ચ નિરીક્ષકશ્રી રામ કુમાર યાદવે (IRS)એ ખર્ચ દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ અને તેમને આપવામાં આવેલી તાલીમો, રાજકીય પક્ષો, બેંક પ્રતિનિધિશ્રીઓ, પ્રિન્ટિંગ પ્રેસ માલિકો વગેરે સાથે થયેલી બેઠકો, C-vigil, NGSP અને ૧૯૫૦ હેલ્પલાઇન પર આવેલી આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી, FST, SST, VST, VVT ટીમો, જપ્ત કરાયેલા દારૂ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી, તમામ વિધાનસભા મતવિસ્તારોમાં થઈ રહેલ ખર્ચ નિરીક્ષણની કામગીરીની સબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ એક્સપેન્ડીચર મોનિટરીંગને લગતા પ્રશ્રોનું તાત્કાલિત સમાધાન કરી આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે લોકશાહીનો પાયો એવી ચૂંટણીની પ્રક્રિયા યોગ્ય, ન્યાયી અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ સહિતની બાબતોનું નિરીક્ષણ અતિ અગત્યની કામગીરી છે. આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવીએ તે જરૂરી છે. આ કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી થાય તે સુનિશ્ચિત કરવા સાથે બિનજરૂરી રીતે સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત સુનિશ્ચિત કરવા સર્વે અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલિસ વડા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ.એમ.ગાંગૂલી તથા એક્સપેન્ડીચર મોનિટરીંગ સેલના વિવિધ વિધાનસભા મત વિસ્તારના નિમાયેલ નોડલો ઓફિસરશ્રીઓ સહિત ખર્ચ નિરીક્ષણની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને ચૂંટણી શાખાનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.