- વડોદરાથી અયોધ્યાધામ જતી ટ્રેનમાં સવાર દર્શનાર્થીઓને ભરૂચ જિલ્લા ભાજપે પાઠવી શુભકામનાઓ
ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રીરામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. વડોદરાથી અયોધ્યાધામ જતી ટ્રેનના દર્શનાર્થીઓનું જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરી શુભકામનાઓ અપાઈ હતી.
રામ જન્મભૂમિ અયોધ્યા ધામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડો હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ કરાઈ હતી.
ગુજરાતમાંથી પણ રામભક્તો અને દર્શનાર્થીઓ શ્રીરામ ભગવાનના દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન શરૂ કરાઇ છે. વડોદરાથી અયોધ્યા ધામ જતી આસ્થા ટ્રેન આજે પ્રસ્થાન થઈ હતી.
ભરૂચ રેલવે સ્ટેશને આસ્થા ટ્રેન આવી પોહચતા તેના સ્વાગત અને રામ ભક્તોને મંગલમય યાત્રાની શુભકામનાઓ પાઠવવા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી સહિત આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
આસ્થા ટ્રેનનું ભરૂચ સ્ટેશન પર આગમન થતા જ સ્ટેશન પરિસર જય શ્રીરામના ગગન ભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ ભક્તોનું ભવ્ય સ્વાગત, અભિવાદન કરી તેઓની યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
સ્ટેશન પરીસર, ટ્રેનમાં સવાર શ્રધ્ધાળુઓના ઉત્સાહ, ઉમંગ વચ્ચે સમગ્ર વાતાવરણ જયશ્રી રામના નાદ સાથે રામમય બની ગયું હતું.