ફરી એકવાર મોદી સરકાર : દીવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ
– ગુજરાત 26 માંથી 26 બેઠકની હેટ્રીક લગાવી ભાજપને ભેટ આપશે, ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે : પ્રદીપસિંહ જાડેજા
– ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી કાર્યવાહીનો કમળ પેઇન્ટિંગ અને બેઠક સાથે ધમધમાટ : મારૂતિસિંહ અટોદરિયા
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે, ગુજરાત ફરી 26 માંથી 26 બેઠક પર કમળ ખીલવી ભાજપની હેટ્રીક લગાવશે, તેમ આજે ભરૂચમાં લોકસભાની બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે. ભરૂચ લોકસભા બેઠકની મિટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આત્મીય હોલ ખાતે આયોજિત કરાઈ હતી.
બેઠક પેહલા પૂર્વ ગૃહમંત્રી, ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન હોદેદારો, પ્રભારીઓના હસ્તે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વોલ પેઇન્ટિંગનો કાર્યકમ યોજાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર તરીકે કમળને દીવાલ પર અંકિત કરી ભરૂચ લોકસભા માટે ભાજપનું આયોજન અને તૈયારીનો શંખનાદ કરવામાં આવ્યો હતો.આત્મીય હોલ ખાતે મળેલી ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટેની મિટિંગમાં ઐતિહાસિક મતોની સરસાઈથી ભરૂચ બેઠક પર ફરી એકવખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું.બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અયોધ્યામાં 500 વર્ષના સંઘર્ષ બાદ રામમંદિરની સ્થાપના સાથે રામરાજ્યની શરૂઆત દેશમાં થઈ છે.
વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને તેવો સવા સો કરોડ ભારતીયો અને ભાજપે નીર્ધાર કર્યો છે. મોદી સરકારના નેતૃત્વમાં વર્ષ 2014, 2019 માં દેશમાં વિકાસ કૂચનો લાભ અને ફળ ભરૂચ લોકસભા બેઠકને પણ મળ્યા છે.ફરી વખત ગુજરાત 26 માંથી 26 બેઠક ભાજપને આપી હેટ્રીક બનાવવા જઈ રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી વિજય બનશે.જોકે પૂર્વ ગૃહમંત્રીએ ભરૂચ બેઠક પર ઉમેદવારને લઈ આ નિર્ણય ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશેનું જણાવી, ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છુક આપના ચૈતર વસાવા, કોંગ્રેસના મુમતાઝ પટેલ અંગે મીડિયાને માત્ર ભાજપનું કમળ જ મોદી સરકારના નેતૃત્વમાં ખીલી ઉઠવાનો મત રજૂ કર્યો હતો.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ ભરૂચ લોકસભા બેઠક માટે આજે આયોજન અને કમળ પેઇન્ટિગ સાથે જિલ્લા ભાજપ સંગઠન વિજય વિશ્વાસના સંકલ્પ સાથે કામે લાગી ગયું હોવાનું કહ્યું હતું.બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, સંયોજક યોગેશ પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, આગેવાનો કાર્યકરો હાજર રહ્યાં હતાં.