કેન્દ્ર સરકાર બિટિશકાળના કાયદા બદલી નવા સંશોધિત કાયદા ભારતીય ન્યાય સંહિતા સ્વરૂપે રજૂ કર્યા છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહનના ડ્રાઇવરને 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઇસન્સ મળે જ નહીં અને લાખો રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આકરી જોગવાઈના કારણે હાલ ડ્રાઈવરો વિરોધ નોંધાવી રહ્યા છે. સોમવારે નવા વર્ષના પ્રથમ દિવસે અંકલેશ્વર હાઇવે પર ટેન્કર આડુ મુકી દઇને ડ્રાઇવરોએ વીજળીક ચકકાજામ કરી દીધો હતો. ડ્રાઇવરોએ નારેબાજી સાથે હાઇવે પર બેસી જતાં 4 કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી.અડધો કલાક સુધી હાઇવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ અને મુંબઇ વચ્ચેના નેશનલ હાઇવે પરથી રોજના 65 હજાર જેટલા વાહનો પસાર થાય છે અને ભરૂચ- અંકલેશ્વર વચ્ચે કાયમ ટ્રાફિકજામ રહેતો હોય છે તેવામાં સોમવારે ટ્રક ડ્રાઇવરોની હડતાળથી સ્થિતિ વણસી હતી.સરકારે નવા કાયદામાં અકસ્માતના કેસમાં ડ્રાઇવરોને 10 વર્ષ કેદની જોગવાઇ કરતાં વિરોધ વંટોળ ઉઠયો છે. બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો હતો અને વાહનવ્યવહાર પુર્વવત કરાવ્યો હતો. પોલીસે 15 જેટલા ટ્રક ચાલકો ને ડિટેઈન કરી તેમની સામે દંડનીય કાર્યવાહી શરુ કરી હતી. અચાનક કરેલા ચક્કાજામ ને લઇ ટ્રાફિક માં નાના-મોટા વાહનો બસ ફસાઈ જતા મુસાફરી કરી રહેલા મુસાફરોની હાલત કફોડી જોવા મળી હતી.નેશનલ હાઇવે પર ટ્રક ડ્રાઇવરોએ ચકકાજામ કરી દેતાં ભરૂચ – અંકલેશ્વર વચ્ચે 4 કિમી સુધી વાહનોની કતાર લાગી હતી અને તેમાં એસટી બસ સહિતના વાહનો ફસાયા હતાં. ખાનગી બસમાં મુસાફરી કરતી એક મહિલા વિરોધ પ્રદર્શન કરી રહેલાં ડ્રાઇવરો સાથે જીભાજોડી પર ઉતરી હતી અને ચકકાજામના બદલે યોગ્ય સ્તરે રજૂઆત કરવા સલાહ આપી હતી.હાઇવે પર ચકકાજામ થઇ જતાં બાઇક અને કાર સવારોએ વૈકલ્પિક રસ્તાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. હાઇવેના સર્વિસ રોડ પર રોંગ સાઇડ પરથી નાના વાહનોની જોખમી અવરજવર જોવા મળી હતી. અડધો કલાક સુધી હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હોવાના કારણે અંકલેશ્વર તથા પાનોલી જીઆઇડીસીમાં નોકરીએ જતાં તથા નોકરીએથી ઘરે જતાં બાઇક ચાલકો પણ અટવાઇ ગયાં હતાં અને તેઓ રોડની સાઇડ પરથી ગમેતેમ રીતે પસાર થતાં જોવા મળ્યાં હતાં.
સરકારે કાયદામાં સુધારો કર્યો તો ટ્રકચાલકો વિફર્યા, 4 કિમીના જામમાં હજારો લોકો ફસાયાં
Views: 57
Read Time:3 Minute, 8 Second