વિલાયતમાં આવેલી જ્યુબિલિઅન્ટ કંપનીમાંથી શ્રમજીવીઓને પરત લઈ જતો ટેમ્પો પલટી મારતા 35 કામદારોને ઇજા પહોંચી હતી. વિલાયતની જ્યુબિલિઅન્ટ કંપનીમાં સજેય ફેબ્રિકેશનમાં 40 થી વધુ શ્રમજીવીઓ કામ કરે છે. વાગરા ભાડેથી રહેતા આ શ્રમજીવીઓને રોજ આઈસર ટેમ્પો લેવા અને કામ પૂર્ણ થયા બાદ પરત મુકવા આવતો હતો.શનિવારે મોડી રાત્રે કંપનીમાં કામ પૂર્ણ થયા બાદ શ્રમિકોને બેસાડી ટેમ્પો વાગરા પરત આવી રહ્યો હતો. દરમિયાન રાતે વળાંક પાસે ટેમ્પા ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.ટેમ્પો પલટી મારતા અંદર સવાર 35 થી વધુ કામદારોએ બુમરાણ મચાવી દીધી હતી. સ્થાનિક રહીશો અને રાહદારીઓએ દોડી આવી માથા, હાથ, પગ અને શરીરે ઘવાયેલા કામદારોને ખાનગી વાહનોમાં વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા હતા. અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફિકજામ થવા સાથે વાગરા પોલીસે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.માથા અને શરીરે વધુ ઇજાગ્રસ્ત થયેલા 19 શ્રમિકોને વધુ સારવાર માટે ભરૂચ લવાયા હતા. અકસ્માત અંગે ઇજાગ્રસ્ત પ્રદીપ પાસવાને ટેમ્પા નંબર જીજે 20 યુ 4857 ના ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો છે. વાગરા પોલીસે અકસ્માત સર્જક ફરાર ટેમ્પા ચાલકની શોધખોળ હાથ ધરી છે.
વિલાયતથી વાગરા આવી રહેલો ટેમ્પો પલટી જતા 35 શ્રમિકો ઈજાગ્રસ્ત,19ને વધુ સારવાર માટે ભરૂચ ખસેડાયા
Views: 56
Read Time:1 Minute, 48 Second