ભરૂચ એલસીબીની ટીમે વાગરાની વિલાયત જીઆઇડીસીમાં આવેલી એક દુકાનમાં ચાલતું ગેસ રીફિલીંગનું કૌભાંડ ઝડપી પાડી કુલ 1.09 લાખના ગેસના નાના-મોટા બોટલો તેમજ એક ટેમ્પો સહિત 4.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત બે આરોપીને ઝડપી પાડ્યાં હતાં. વાગરા તાલુકામાં આવેલી વિલાયત જીઆઇડીસી ચોકડી પાસેની એક કરિયાણાની દુકાનમાં ચોક્કસ બાતમીના આાધારે રેડ કરી તપાસ કરતાં દરઘા દેવસી રબારી નામનો શખ્સ તેની દુકાનમાં ઇન્ડિયન કંપનીના ગેસના બોટલમાંથી નાની બોટલમાં ગેસ રીફિલીંગ કરી રહ્યો હતો.જેના પગલે તેની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, નજીકમાં આવેલી ચામુંડા સ્ટીલ નામની દુકાનમાંથી મુકેશ શીવલાલ દેવાસી પાસેથી તેે ગેસના બોટલ ભરવા લાવે છે. જેથી એલસીબીની ટીમે તેના ત્યાં પણ દરોડો પાડતાં એક ટેમ્પોમાં મોટી માત્રામાં ગેસના બોટલો ભરેલાં મળી આવ્યાં હતાં. જે અંગે તેને પુછતાં તેણે જણાવ્યું હતું કે,ગેસ એજન્સીમાંથી તેઓ બીલ વગર મોટી બોટલો લાવી નાની બોટલો રીફિલીંગ કરવાનું કૃત્ય આચરે છે. ટીમે તેમની પાસેથી 1.09 લાખના ગેસના નાના-મોટા બોટલો તેમજ એક ટેમ્પો સહિત 4.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.બીજી તરફ વાગરા પોલીસની ટીમે પણ એક્શનમાં આવી સાયખા ગામે મેઇન રોડ પર આવેલી નાગરાજ ગેસ નામની દુકાન તેમજ અન્ય એક શખ્સની દુકાનમાં દરોડો પાડતાં બન્ને સ્થળે ગેસ રીફિલીંગનું કૌભાંડ ઝડપાયું હતું. જેમાં નાગરાજ ગેસ નામની દુકાનમાં ભાકારામ ઉર્ફે ભરત રામજી રબારીને ઝડપી પાડી તેની પાસેથી કુલ 36 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે માર્કેટમાં આવેલી મુકેશ દેવાશીની દુકાનમાંથી શૈલેષ છત્રસિંહ ભીલને ઝડપી પાડી તેની પાસેથી કુલ 28 હજારનો મુદ્દામા જપ્ત કર્યો હતો.
સાયખા-વિલાયત ગામે ત્રણ સ્થળે ગેસ રિફિલિંગનું કૌભાંડ.
Views: 231
Read Time:2 Minute, 36 Second