ભરૂચમાં બુટલેગર માતાને પોલીસે દારૂ સાથે પકડી અને પુત્ર બન્યો છાટકો, ઘૂંટણીયે પડી બે હાથ જોડી માંગવી પડી વારંવાર પોલીસની માફી
મને માફ કરી દો… મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર વિડીયો નહિ બનાવું… ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ભાન ભૂલેલા યુવાન બુટલેગરને પોલીસે કાયદાનું જ્ઞાન પીરસ્યું હતું. પોલીસને ગાળો ભાંડતો ચાલુ કારે વિડીયો બનાવનાર ધ્રુવ પટેલ ઘૂંટણીયે પડી વારંવાર બે હાથ જોડી માફી માંગતો થઈ ગયો હતો.ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમાં દારૂનો વેપલા કરતી માતા પ્રજ્ઞા મિસ્ત્રીને હાલમાં જ પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી. જ્યારે બુટલેગર પુત્ર ધ્રુવ પટેલ બે ગુનામાં વોન્ટેડ હતો.બુટલેગર માતા પકડાતા બુટલેગર પુત્ર ધ્રુવ સમસમી ઉઠ્યો હતો. અને પોલીસ ઉપર પોતાની દાઝ કાઢવા ચાલુ કારમાં પોલીસને ગાળો ભાંડતો વિડીયો બનાવ્યો હતો.ભાન ભૂલેલા આ બુટલેગરની શાન ઠેકાણે લાવવા સી ડિવિઝન પી.આઈ. ઉનડકટ અને સ્ટાફે વોન્ટેડ ધ્રુવને રાઉન્ડ અપ કરી લીધો હતો. પોલીસ સ્ટેશનમાં લાવતા જ આ બુટલેગર નવાબી ઠાઠ માંથી સીધો ફકીરી અવસ્થામાં જોવા મળ્યો હતો.પોલીસ સ્ટેશનમાં ઘુંટણીયે પડી ધ્રુવ પટેલે વારંવાર હાથ જોડી રડતા રડતા પોલીસની માફી માંગી હતી. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. બીજી વાર વિડીયો નહિ બનાવું ની અનેક વખત વિનવણી કરતા પોલીસે તેને આખરે માફી આપી હતી. સાથે જ બે ગુનામાં વોન્ટેડ બદલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.