ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમના નેજા હેઠળ ભરૂચ જિલ્લાના વર્ગ 1 અને 2ના 90 તબીબોએ આજે મંગળવારે પડતર માંગણીઓને લઈ હડતાળ પાડતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.ભરૂચ જિલ્લાના પ્રાથમિક તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ, જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા તમામ સરકારી તબીબોએ વર્ષોથી પડતર માંગણીઓ ન ઉકેલાતા સોમવારથી રાજયવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. જેમાં ભરૂચ જિલ્લાના પણ કુલ 90થી વધુ તબીબો જોડાતા તેમના દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું છે.સરકારી તબીબોની હડતાલને લઈ જિલ્લામાં આરોગ્ય સેવાઓ, ઓપીડી, પોસ્ટમોર્ટમ, ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ ગઈ છે. સરકારી તબીબોની માંગણીઓમાં એરિયર્સ, કાયમી નિમણુંક, બઢતી, એન્ટ્રી પે અને પગાર ધોરણ સહિતનો સમાવેશ થાય છે.અંકલેશ્વરમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની હડતાળના બીજા દિવસે 5 PHC, 1 CHC અને 1 અર્બન હેલ્થ સેન્ટર મળી 9 ડોકટરો હડતાળમાં જોડાયા છે. ઓપીડી અને ઇમરજન્સીના તમામ કાર્યોથી ડોક્ટર અળગા રહેતા હોસ્પિટલ આવતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. હડતાળના પગલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પરિવારજનોને 20 કિમી દૂર હાંસોટ સુધી લઈ જવાની ફરજ પડી હતી. નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે મોટા ભાગે પોસ્ટમોર્ટમ થતું હોય છે.
ભરૂચ જિલ્લાના 90થી વધુ સરકારી તબીબોએ સજ્જડ બંધ પાળ્યું, દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો
Views: 80
Read Time:1 Minute, 53 Second