ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા બાઈક ચોરને એલસીબી પોલીસે આમોદના કુરચન ગામેથી દબોચી લીધો હતો. એ ડીવીઝન પોલીસ મથકના સાત ગુનામાં સંડોવાયેલો હોવાનું આરોપીએ કબુલ કર્યું હતું. તેમજ પોલીસે બાઈક તેમજ મોબાઈલ મળી કુલ 22 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલો ઇસમ તેને ઘરે આવ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે તેને ઘરે દરોડા પાડ્યા હતા.પોલીસે કુરચન ગામની નવી નગરીમાં રહેતો અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા મહમદ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેના ઘર બહારથી મળી આવેલી બાઈક અંગે પોકેટ કોપ ઈ-ગુજ્કોપમાં સર્ચ કરતા બાઈક ભરૂચની શ્રવણ ચોકડી સ્થિત સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ પાસેથી જાન્યુઆરીમાં ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે બાઈક અને ફોન મળી કુલ 22 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા આરોપીની વધુ પુછપરછ કરતા તે એ ડીવીઝન પોલીસ મથકના સાત ગુનામાં સંડોવાયેલો હોવાનું તેણે કબુલ કર્યું હતું. પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડી એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આમોદના કુરચન ગામેથી એલસીબીએ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા બાઈક ચોરને દબોચી લીધો
Views: 79
Read Time:1 Minute, 57 Second