કરજણ તાલુકાના મેસરાડ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર BKPL ક્રિકેટ ટુર્નામેન્ટનું કરજણ પોર શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે રંગારંગ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના ગીત સાથે બન્ને ટીમો મેદાન પર પહોંચી હતી. શુક્રવારે ઢળતી સાંજે મેસરાડ ગામના હરિયાળા ક્રિકેટ મેદાન પર આંખોને આંજી નાખતી આતશબાજી વચ્ચે ધારાસભ્ય અક્ષય પટેલે ટોસ ઉછાળી ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. ક્રિકેટની રમતે હવે શહેરોના સીમાડા વળોટીને ગ્રામીણ વિસ્તારોમાં પણ યુવાનોને ઘેલું લગાડયું છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના યુવાનો પણ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે એ હેતુસર ગ્રામીણ વિસ્તારોમાં પણ ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે ઝાકમઝોળ રોશની વચ્ચે મેસરાડના ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટની પ્રથમ મેચ ટંકારીયા અને સાંસરોદની ટીમો વચ્ચે રમાઇ હતી.
પંદર દિવસ સુધી મેસરાડ તેમજ કોલીયાદના ક્રિકેટ ગ્રાઉન્ડ પર BKPL ટુર્નામેન્ટની મેચો રમાશે. કહેવાય છે કે આબેહૂબ આઈપીએલ ટાઇપની આ ટુર્નામેન્ટ ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત રમાઈ રહી છે. મેદાનને આયોજકો દ્વારા તનતોડ જ મહેનત કરી સમતળ બનાવી તેમજ મેદાનમાં ચારે તરફ રોશની ફેલાય એ માટે ચાર હાઈરાઈઝ ટાવર ઉભા કરી ફ્લડ લાઇટ્સ ફીટ કરવામાં આવી છે. BKPL ની ઉદઘાટન બાદની પ્રથમ મેચ નિહાળવા ક્રિકેટ રસિયાઓ ઉમટી પડ્યા હતા. સંગીતના સૂરો વચ્ચે પ્રથમ મેચ યોજાઇ હતી. BKPL ના આયોજક વાજિદ જમાદારે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ટુર્નામેન્ટ આયોજિત કરવાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારના યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે તેમજ તેઓમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. મેસ રાડ તેમજ કોલીયાદ ના ક્રિકેટ મેદાન પર BKPL ટૂર્નામેન્ટની ડે એન્ડ નાઇટ મેચો રમાશે. આયોજિત ટુર્નામેન્ટમાં વીસ વીસ ઓવરની મેચો રમાશે. એમ તેઓએ જણાવ્યું હતું. આઈપીએલ ટાઇપના ખેલાડીઓના ડ્રેસીસ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે BKPL ટુર્નામેન્ટના સ્પોન્સર્સ સહિત આજુબાજુના ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા…:
– તસ્લીમ પીરાંવાલા…કરજણ…