ભરૂચ જિલ્લામાં કોરોના આવ્યો વેન્ટિલેટર પર, ૯ માંથી ૭ તાલુકા કોરોના મુક્ત બનતા તંત્ર અને શહેરીજનો માટે રાહતના સમાચાર..!
ગત મહિનાઓમાં કોરોના મહામારીની પ્રથમ અને બીજી લહેર ભરૂચ જિલ્લાના લોકો માટે ઘાતક સમાન બની હતી, એક સમયે જિલ્લાના હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા હતા, ઓક્સિજન વેન્ટિલેટર અને રેમડીસીવીર ઇન્જેક્શન માટે દર્દીઓના સ્વજનો દોડતા થયા હતા, દિન પ્રતિદિન કોવિડ સ્મશાનમાં મૃતકોની લાઈનોએ દર્દનાક દિવસો ભરૂચ જિલ્લાના લોકોને આ મહામારીમાં લોકોને બતાડયા હતા.
પ્રથમ અને બીજી લહેરમાં ભરૂચ જિલ્લામાં ૧૦૬૮૩ જેટલા કેસો નોંધાયા હતા જે બાદ હવે જિલ્લાના લોકો માટે રાહતરૂપી સમાચાર બીજી લહેરના અંતમા આવી રહ્યા છે, ૧૦૬૮૩ કેસો સામે ૧૦૫૪૮ દર્દીઓ સાજા થતા હવે ભરૂચ જિલ્લામાં માત્ર ૧૮ જેટલા કેસો જ એક્ટીવ છે, એમાં પણ ખાસ કરીને જિલ્લાના ૯ તાલુકા પૈકી ૭ તાલુકા કોરોના મુક્ત બની ચુક્યા છે, હાલમાં માત્ર ભરૂચ સીટીમાં ૧૨ કેસ અને ગ્રામ્યમાં ૪ અને ઝઘડીયામાં ૨ કેસ જ એક્ટિવ મોડ પર છે.
કોરોના મહામારીમાં તંત્રના ચોપડે અત્યાર સુધી ૧૧૭ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે, ત્યારે હવે આ દુઃખ ભર્યા દિવસોમાંથી જિલ્લાના લોકો માટે રાહતના સમાચારો સામે આવી રહ્યા છે, ભરૂચ જિલ્લામાં ગત રોજ માત્ર ૧ પોઝીટીવ કેસ સામે આવ્યો હતો જે બાદ હવે કોરોના પણ વેન્ટિલેટર પર હોય તેમ કહી શકાય છે, હાલ કેસોમાં ઘટાડો થતા તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રથમ અને બીજી લહેર બાદથી તંત્ર હવે સાવચેતી અને આ મહામારી સામે લડત આપવા માટે ત્રીજી લહેરની આગોતરી તૈયારીઓમાં લાગી ગયું છે, અને પ્રથમ અને બીજી લહેરમાં પડેલી તકલીફો અને ચૂકની નોંધ લઇ ત્રીજી લહેર જો સક્રિય થાય તો તેની સામે પહોંચી વળવાના તમામ આયોજનો કરી દીધા છે, આમ આ મહામારીમાંથી હાલ ભરૂચ જિલ્લાના લોકો માટે રાહતના સમાચાર સામે તો આવ્યા છે, પંરતુ કોરોના ગયો નથી તે જ પ્રકારની સાવચેતી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવી બાબતોનું પાલન કરવું જ પડશે તેવી નોંધ લઈને જ આગળ વધવું જોઈએ તેમ છે.