જંબુસરના ગંદા પાણીથી 8 કિમી દૂર આવેલાં ખાનપુરના લોકો પરેશાન
જંબુસર નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગની હુંસાતુસીમાં ખાનપુર દેહ ગામના લોકો દુર્ગંધવાળા પાણી વચ્ચે જીવવા માટે મજબુર બન્યાં છે તેમજ ખેડૂતોના ખેતરોમાં દુર્ગંધ મારતું પાણી ફરી વળતાં ખેતીને નુકશાન થઇ રહયું છે. નગરપાલિકાની તુટેલી લાઇન રીપેર કરાવવામાં બે સરકારી વિભાગની આળસનો ભોગ સ્થાનિકો બની રહયાં છે.જંબુસર શહેરના તમામ પ્રકારના ગંદા પાણીનો નિકાલ કરતી પાઇપલાઇન ખાનપુર દેહ ગામ નજીકથી પસાર થાય છે. આ લાઇનમાં છેલ્લા ઘણા સમયથી લીકેજ હોવાથી ગંદુ અને વાસ મારતું પાણી આસપાસના વિસ્તારમાં ફેલાઇ રહયું છે. છેલ્લા બે વર્ષથી પાઇપ લાઇન અવારનવાર તુટી રહી છે. ગટરનું પાણી ખેતરો તથા કાંસમાં ભરાઇ રહેતું હોય છે.ગયા વર્ષે આ સ્થળે 25 જેટલા પશુઓના મોત થયાં હતાં. હાલમાં છેલ્લા દસ દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી જવાથી ભારે દુર્ગંધ મારે છે કાંસ અને સીમમા પાણી ભરાયા છે. માજી સરપંચ રસીદ મચ્છી વાળા તેમજ ગ્રામજનો રજૂઆત કરવા ગયાં હતાં પણ નગરપાલિકા કે પાણી પુરવઠા વિભાગ તરફથી યોગ્ય જવાબ નહિ મળતાં હવે ગામ લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાલિકાની ડમ્પિંગ સાઇટની બાજુમાંથી ગેરકાયદે માટીખનન થઇ રહયું હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારી નિયમ મુજબ 6 થી 8 ફૂટનું ખોદકામ કરવાનું હોય છે પણ અહીં તો 14 ફૂટથી વધારે ખોદકામ કરી માટી ઉલેચી લેવામાં આવી છે. ચોમાસામાં આ ખાડાઓમાં પાણી ભરાતાં લોકો તથા પશુઓના ડુબી જવાની ભિતી સેવાઇ રહી છે. ગેરકાયદે માટી ખનન થઇ રહયું હોવા છતાં પાલિકા સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં છે તેવો આક્ષેપ લોકોએ કર્યો છે.