માત્ર 5થી 15 રૂપિયામાં જ સારવાર આપતું રાની પ્રદેશના નામથી ઓળખ ધરાવતું દવાખાનું 90 વર્ષથી અડીખમ
કસ્તુરબા સેવાશ્રમ સંસ્થા સરદાર વલ્લભભાઈ પટેલના 1928ના બારડોલી સત્યાગ્રહ સાથે જોડાયેલી છે.સત્યાગ્રહ દરમ્યાન અંગ્રેજોના ત્રાસ અને જુલમથી બચવા રાજપીપળા સ્ટેટના ચાસવડ ખાતે લોકો સ્થળાંતર થયા હતા. આ લોકોમાંથી આદિવાસી વિસ્તારમાં મીઠુબેન પીટીટ અને કલ્યાણજી મહેતાએ વર્ષ 1929માં ફરતાં દવાખાનાની શરૂઆત કરી હતી. તે અરસામાં રાની પરજ અને આદિવાસી વિસ્તારોમાંના મર્કી નામનો જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો હતો. આ ગંભીર બીમારીમાં સપડાયેલા લોકોની સારવાર કરવા મીઠુબેન પીટીટે ઝંડું ફાર્માસીની મદદ લઇને ચાસવડ વિસ્તારમાં ફરતું દવાખાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ 1934માં 4 બેડની ગ્રાન્ટ ઇન ઓઇડ હોસ્પિટલ શરૂ કરી હતી.
દવાખાનાની સ્થાપનાને 90 વર્ષે પૂરા થયા છે ત્યારે હજુ પણ નિત્યક્રમપ્રમાણે દરરોજ 30 થી 50 જેટલી ઓપીડી અહી જોવા મળે છે. શરદી, ખાસી, તાવ,ઉધરસ, ઝાડા, ઉલ્ટી, જેવી બીમારીઓને રાહતદરે એટલે માત્ર 5 થી 15 રૂપિયાના ખર્ચ સારવાર અપાય છે. જે આજના પ્રાઇવેટ અને સરકારી દવાખાના કરતાં પણ ઉત્તમ કામગીરી આદિવાસી વિસ્તારમાં કરી રહ્યું છે. આ દવાખાનાના તબીબ ડો.બિપિનભાઈ રાઠોડનું કોરોના સંક્રમિત થતાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. તબીબ ના હોવાથી દદીઁઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.
જેમાં કસ્તુરબા સેવાશ્રમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયા ગરીબ દર્દીઓના હાલાકીના નિરાકરણ માટે ડૉ.ગાયત્રીબેન વસાવાની વરણી કરીને સાર્વજનિક દવાખાનનું ફરીવાર રાબેતા મુજબ શરૂ થતાં આદિવાસી સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી.