નર્મદાના સાગબારા તાલુકો આજે પણ વિકાસથી વંચિત.
છેલ્લાં 32-32 વર્ષથી નાની દેવરુપણ ગામથી, ભોરઆમલી,મોટી દેવરુપણ, હુકટા ફળિયા, બોરડી ફળી,ઊભારિયા ગામને જોડતો રસ્તો બન્યો નથી.
32 વર્ષો સુધી ડામર રોડ બન્યો ન હોય એ ઘટના તાલુકા અને જિલ્લા માટે શરમજનક !
ઉભારીયા ગામના સમાજસેવી આનંદ ત્રિજલાલ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી વિકાસની પોલ ખોલી.
રાજપીપળા,તા.6
સાગબારા તાલુકાના ઉભા રિયાના સમાજસેવી આનંદ ત્રીજલાલ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આદિવાસી વિસ્તારો વિકાસથી વંચિત હોવાની બાબતે પત્ર લખ્યો છે. જેમાં ચૂંટણી ટાણે વિકાસથી વંચિત સાગબારા તાલુકાના ગામોની પોલ ખોલી છે. અને જણાવ્યું છે કે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામો આજે પણ વિકાસથી વંચિત છે જેમાં ભંગાર રસ્તાઓના કારણે જનતાની કેર જ ભાગી ગઈ છે.લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. છેવાડાનો ગરીબ દૂરથી ભાડું ખર્ચ કરી અને તાલુકા મથકે જિલ્લા મથકે આવી સરકારી ઓફિસોના અવારનવાર ધરમધક્કા ખાય છે, છતાં કામો થતાં નથી. તૂટેલા રસ્તાઓ ના કારણે જીવલેણ ડમરી ઉડે છે. જેનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ઉડતી ધુળની ડમરીને કારણે લોકો બીમાર પડી રહ્યા છે, ગરીબોના સ્વસ્થ આરોગ્યની કોઈને પરવા નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે. ભેળસેળવાળું બિયારણ, ભેળસેળવાળું જંતુનાશક, ભેળસેળવાળું ખાતર વેચાય છે, મચ્છરજન્ય છંટકાવ કરવામાં આવતો નથી, દવાનો છંટકાવ કરવામાં આવતો નથી, સફાઈ અભિયાન ચલાવવામાં આવતું નથી.
ઉભરીયા તાલુકા પંચાયતના ગામડાઓમાં વિકાસ નહીંવત છે.છેલ્લા 32-32 વર્ષોથી નાની દેવરુપણ ગામ થી ભોરઆમલી, મોટી દેવરુપણ, હુકટા ફળિયા, બોરડી ફળી, ઉભારીયા ગામને જોડતો રસ્તો બન્યો નથી, રોડ બન્યો નથી. 32- 32 વર્ષો સુધી રોડ નહીં બનતો હોય તો એ ઘટના તાલુકા માટે જિલ્લા માટે ખૂબ જ શરમજનક બાબત ગણાવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા