અલ્લા રખ્ખાખાન પઠાણ, છોટાઉદેપુર
રાજ્યમાં નશીલા પદાર્થોનું સેવન દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે મધ્યપ્રદેશ થી અમદાવાદ તરફ ઇકો કારમાં 3.931 કિલોગ્રામ ગાંજો લાવતા ચાર યુવાનોને છોટાઉદેપુર પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદના જીગ્નેશ કડીયા, મેહુલ સથવારા, મિતરાજસિંહ છાસટિયાં અને મોહિલ પટેલ GJ 27 DB 1734 નંબરની ઇકો કારમાં મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ગાંજો લાવતા છોટાઉદેપુરના દુમાલી ગામના પાટિયા પાસે વાહન ચેકીંગ દરમ્યાન ઝડપાયા.
પોલીસ રાબેતા મુજબ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન શંકાસ્પદ લાગતાં કારમાં ચેક કરતાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ નો જથ્થો મળી આવ્યો હતો, જેની એફ એસ એલ દ્વારા ખાતરી કરતાં ગાંજો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કારમાં સવાર લોકોની પૂછ પરછ કરતાં તેઓ ગાંજાનો જથ્થો મધ્યપ્રદેશ ના ઉજ્જૈન થી એક સાધૂ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે રૂપિયા 39310/- નો ગાંજનો જથ્થો , અંગઝડતીમાથી મળેલ રૂપિયા 19560 તેમજ ચાર મોબાઈલ જેની કિમત રૂપિયા 12500 તથા ગાંજાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર જેની કિમત રૂપિયા 3,00,000/- મળી કુલ રૂપિયા 3,71,370/- નો મુદામાલ જપ્ત કરી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.